નવી દિલ્હીઃ સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલના ભૂતપૂર્વ સહભાગી અને બે વખતના રાષ્ટ્રીય કક્ષાના સુવર્ણચંદ્રક વિજેતા ટેકવોન્ડો ખેલાડીની દિલ્હી પોલીસે પશ્ચિમ દિલ્હીમાં ચેન સનેચિંગ અને લુંટ કેસમાં ધરપકડ કરી છે. 100 થી વધુ કેસોમાં તેની સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ ઉત્તમ નગરના વિકાસ નગરના રહેવાસી સૂરજ ઉર્ફે ‘ફાઇટર’ તરીકે થઈ છે.
આ મામલે વધુ માહિતી આપતા પોલીસે કહ્યું કે આ પહેલી વાર નથી. ઇન્ડિયન આઇડોલનો આ ભૂતપૂર્વ સહભાગી અને ભૂતપૂર્વ તાઈકવોન્ડો ખેલાડી વર્ષ 2017 થી આ કાર્યમાં સક્રિય છે. સૂરજ ઉર્ફે ‘ફાઇટર’ પર 12 થી વધુ લૂંટમાં સામેલ હોવાનો આરોપ છે.
વાસ્તવમાં, પોલીસ દિલ્હીના મોતી નગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જ્યારે તેઓએ સ્કૂટર પર એક શંકાસ્પદ વ્યક્તિને જોયો, ત્યારબાદ તે વ્યક્તિને રોકવામાં આવ્યો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે સ્કૂટર કીર્તિ નગર વિસ્તારમાંથી ચોરાયું છે.
પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઉત્તર દિલ્હીના સબઝી મંડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અનેક મોબાઈલ ફોન છીનવી લીધા અને 2.5 કિલો સોનું લૂંટી લીધાની કબૂલાત કરી. તેણે તેના બે સાથીઓ સાથે દેશી બનાવટની પિસ્તોલ અને મોટરસાઇકલ પર છરીનો ઉપયોગ કરીને લૂંટ ચલાવી હતી.
આ બાબતે વધુ વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓએ દિલ્હીના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને પશ્ચિમ, બાહ્ય, મધ્ય અને ઉત્તર જિલ્લાઓમાં 100 થી વધુ ચેન છીનવી લેવાની કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, એક જીવતો કારતૂસ, 55 મોબાઇલ ફોન અને પાંચ ટુ-વ્હીલર મળી આવ્યા છે.
પોલીસે કહ્યું કે સુરજે દિલ્હી યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે. તે બે વાર તાઈકવોન્ડોમાં રાષ્ટ્રિય ગોલ્ડ મેડલ વિજેતા રહી ચૂક્યો છે. આરોપીએ વર્ષ 2008માં ટીવી શો ઇન્ડીયન આઇડલ સીઝન 4માં ભાગ લીધો હતો.