દિગ્ગજ અભિનેતા પંકજ ત્રિપાઠી ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. પંકજ ત્રિપાઠી હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકનું નેતૃત્વ કરતા જોવા મળશે. ‘મેં અટલ હૂં’ ફિલ્મના શાનદાર ટીઝર બાદ હવે ધમાકેદાર ટ્રેલર પણ રિલીઝ થયુ છે. પંકજ ત્રિપાઠી સહિતના સ્ટાર્સ પોતાના પાત્રમાં ફિટ જોવા મળી રહ્યા છે.
ત્રણ વાર ભારતના વડાપ્રધાન બની ચૂકેલા સ્વ. અટલ બિહારી વાજપેયીને આજે દરેક ભારતીય સમ્માન સાથે યાદ કરે છે. હવે તેમનુ આદર્શ નેતા તરીકેનું જીવન સિનેમાઘરોમાં જોવા મળશે. પંજર ત્રિપાઠી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. તેનુ શાનદાર ટ્રેલર હાલમાં લોન્ચ થયુ છે.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા પંજક ત્રિપાઠી આ ફિલ્મના માધ્યમથી અટલ બિહારી વાજપેયીની વિરાસતને જીવંત કરવા અને તેમના પ્રભાવશાળી કાર્યકાળને ફરી એકવાર દેશ સામે મૂકવા માંગે છે. આ ટ્રેલરમાં અટલ, લાલકૃષ્ણ અડવાણી સહિતના પાત્રો જોવા મળી રહ્યા છે, જે પોતાના રાજનૈતિક ભવિષ્ય પર ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. રવિ જાધવ દ્વારા નિર્દેશિત અને ભાનુશાળી સ્ટૂડિયોઝ લિમિટેડ અને લીજેન્ડ સ્ટૂડિયોઝ દ્વારા સમર્થિત આ ફિલ્મની પટકથા ઋષિ વિરમાની અને રવિ જાધવે લખી છે. જ્યારે સલીમ અને સુલેમાને મનોજ મુંતશિરના ગીતો સાથે સંગીત તૈયાર કર્યું છે. આ ફિલ્મ 19 જાન્યુઆરી, 2024ના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
પંકજ ત્રિપાઠીએ અગાઉ પ્રતિષ્ઠિત નેતા અટલ બિહારી વાજપેયીની મહત્વની ભૂમિકા ભજવવા અંગેનો તેમનો ઉત્સાહ શેયર કર્યો હતો. તેમણે વાજપેયીના ભાષણ, જીવનશૈલી અને ભારત માટેના દૂરંદેશી દ્રષ્ટિકોણને ઊંડાણપૂર્વક સમજવા માટે સઘન અભ્યાસ સહિત જરૂરી વ્યાપક તૈયારી પર ભાર મૂક્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો પંકજ ત્રિપાઠી આગામી દિવસોમાં ફિલ્મ ‘સ્ત્રી 2’માં જોવા મળશે. આ સિવાય તે બહુપ્રતિક્ષિત શ્રેણી ‘મિર્ઝાપુર 3’માં પણ જોવા મળશે.