કેન્સર સામે લડાઇ લડી રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે 5 મહિના પછી ન્યયોર્કથી મુંબઇ પરત ફરી છે. સોનાલી આજે સવારે મુંબઇ એરપોર્ટ પર આવી પહોંચી હતી. સોનાલી સાથે તેનો પતિ ગોલ્ડી બહલ પણ જોવા મળ્યો હતો. સોનાલી કેન્સરની સારવાર દરમિયાન અનેક કીમોથેરાની સેશનથી પસાર થઇ છે. જેના કારણે તેણે તેના વાળ કપાવવા પડ્યા હતા. આ અંગેની જાણકારી સોનાલીએ ગત દિવસોમાં એક પોસ્ટમાં આપી હતી. આ જ કારણે તે ભારત પરત ફરતી સમયે કોઇ વિગ વગર બાલ્ડ લુકમાં જ આવી પહોંચી છે.
બ્લેક જેકેટ અને ટ્રાઉઝરમાં જોવા મળેલી સોનાલીનો લુક ઘણો બદલાઇ ગયો છે. પરંતુ આ મુશ્કેલીના સમયમાં પણ તે ખુશ નજર આવી રહી છે. સોનાલી બહાદુરીપૂર્વક કેન્સરની લડત લડી રહી છે. નોંધનીય છે કે 4 જુલાઇના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી સોનાલીએ તેને કેન્સર હોવાની જાણકારી આપી હતી.
આ ઉપરાંત મુંબઇ આવતા પહેલા પણ તેણે સોશિયલ મીડિયા પર સુંદર પોસ્ટ લખી પરત આવવાની વાત જણાવી હતી. તેણે લખ્યું કે હું પરત ફરી રહી છે. આ એક એવી લાગણી છે જેને હું વ્યક્ત નથી કરી શકતી. પરંતુ હું પ્રયત્ન કરી રહી છું. હું મારા પરિવારજનો અને મિત્રોને મળવા માટે ખૂબ ઉત્સાહિત છું