બોલિવૂડ ડિરેક્ટર દિબાકર બેનર્જી છેલ્લા દોઢ દાયકાથી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તેઓ એક પ્રખ્યાત નિર્દેશક છે અને તેમના કામની માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રશંસા થાય છે. દિબાકરે તેની કારકિર્દીમાં ઓછી ફિલ્મો કરી છે પરંતુ ચાહકો તેની ફિલ્મોને ખૂબ સપોર્ટ કરે છે. દિબાકરની દિશાસૂચક શૈલી અને વિષયવસ્તુની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ દિગ્દર્શક હાલમાં તેમની આગામી ફિલ્મ ટીઝને લઈ ખૂબ જ નિરાશ છે. આ ફિલ્મને રિલીઝ કરવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
એક ઈન્ટરવ્યુમાં દિબાકર બેનર્જીએ આ અંગે તેમનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું કે, ડિજિટલ પ્લેટફોર્મ આ ફિલ્મને રિલીઝ કરવામાં ખચકાટ અનુભવે છે અને સ્પષ્ટપણે કઇ જવાબ મળતો નથી. પહેલા નેટફ્લિક્સે તેમની ફિલ્મ રિલીઝ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ હવે નેટફ્લિક્સ આ ફિલ્મને રિલીઝ કરવા માટે આનાકાની કરી રહ્યું છે. આથી, ડિરેક્ટરે કહ્યું- ‘નેટફ્લિક્સના મતે, આ ફિલ્મ તેમની યાદીમાં ફિટ નથી. હું તમામ દરવાજા ખખડાવી રહ્યો છું અને લોકોને વિનંતી કરું છું કે નેટફ્લિક્સ પરથી આ ફિલ્મ ખરીદો અને તેને રિલીઝ કરાવી દો પરંતુ આ મામલે યોગ્ય ઉકેલ આવતો નથી.
દિબાકરે આગળ કહ્યું કે, ‘હું માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો પાસેથી મદદ માંગી રહ્યો છું જેથી કરીને કોઈ મારી ફિલ્મ નેટફ્લિક્સમાંથી ખરીદીને રિલીઝ કરાવે. હું આ ફિલ્મ સાથે આગળ વધી શકતો નથી અને તેમાં અટવાઈ ગયો છું.’ તેની વાર્તા વિશે વાત કરતા દિબાકર બેનર્જીના જણાવ્યા અનુસાર, ફિલ્મની વાર્તા એક પરિવારની ત્રણ પેઢીઓની આસપાસ ફરે છે. તે છેલ્લી સદીના આઠમાં દાયકાથી શરૂ થાય છે અને વર્ષ 2042માં સમાપ્ત થાય છે. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, નીરજ કબી, શશાંક અરોરા અને મનીષા કોઈરાલા જેવા સ્ટાર્સ સામેલ છે.
શું છે મામલો?
વાસ્તવમાં દિબાકરે ટીઝ ફિલ્મ નેટફ્લિક્સ માટે જ બનાવી હતી. ફિલ્મ પૂરી થઈ ગઈ ત્યાર બાદ પણ નેટફ્લિક્સ તેને રિલીઝ નથી કરી રહ્યું અને રિલીઝ કરવા મુદ્દે અનિચ્છા વ્યક્ત કરે છે. પરંતુ નેટફ્લિક્સ ફિલ્મ રિલીઝ કરવા મુદ્દે આનાકાની કરી રહ્યું છે. આ મુદ્દે કોઇ નક્કર કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જો કે આ મામલે વિચલિત થયેલા દિબાકર તેમની ફિલ્મ રિલીઝ થાય તે માટે શકય તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે.