રણબીર કપૂર સ્ટારર ‘એનિમલ’ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. વિકી કૌશલ સ્ટારર સેમ બહાદુર અંગે કલેશ થયા બાદ પણ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સઓફિસ પર તગડી કમાણી કરી અને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. જોકે, શાહરૂખ ખાન સ્ટારર ડંકી અને ત્યાર બાદ પ્રભાસની સાલાર રિલીઝ થતા ‘એનિમલ’ની જમાવટના જોરે ટિકિટ બારી પર રોક લગાવી દીધી છે.
22માં દિવસે ‘એનિમલ’ એ કેટલી કમાણી કરી?
ક્રાઈમ થ્રિલર ‘એનિમલ’નો ક્રેઝ દર્શકોમાં ચરમસીમા પર જોવા મળ્યો અને આ ફિલ્મે સિનેમાઘરોમાં ભારે હોબાળો મચાવ્યો હતો. રણબીર કપૂરની આ ફિલ્મે તેની રિલીઝના ત્રણ અઠવાડિયા દરમિયાન બમ્પર કલેક્શન કર્યું હતું. જો કે, હવે શાહરૂખ ખાનની ફેમિલી કોમેડી ડ્રામા ડંકી અને પ્રભાસની એક્શન ક્રાઈમ થ્રિલર સાલાર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જેને કારણે ‘એનિમલ’ની કમાણી પર પણ ઘણી અસર થઈ છે. ‘એનિમલ’ની કમાણીની વાત કરીએ તો રણબીર કપૂરની આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં 337.58 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા સપ્તાહમાં ફિલ્મની કમાણી 139.26 કરોડ રૂપિયા અને ત્રીજા સપ્તાહમાં ‘એનિમલ’એ 54.45 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે આ ફિલ્મ તેની રિલીઝના ચોથા સપ્તાહમાં છે અને 22માં દિવસે એટલે કે ચોથા શુક્રવારની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. એક રિપોર્ટ અનુસાર, ‘એનિમલ’એ તેની રિલીઝના ચોથા શુક્રવારે એટલે કે 22માં દિવસે 1.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે 22 દિવસમાં ‘એનિમલ’ની કુલ કમાણી હવે 532.44 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
વિશ્વભરમાં ‘એનિમલ’એ કેટલી કમાણી કરી?
‘એનિમલ’ એ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી છે અને વિશાળ પાયે કલેક્શન પણ કર્યું છે. આ ફિલ્મે વિશ્વભરમાં ધૂમ મચાવી તેને માત્ર ત્રણ અઠવાડિયા થયા છે અને તેણે 862.21 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હવે આ ફિલ્મ 900 કરોડના આંકડાને સ્પર્શવા તરફ આગળ વધી રહી છે. જોવાનું એ રહે છે કે, ડંકી અને સાલાર રિલીઝ થયા પછી ‘એનિમલ’ આ માઈલસ્ટોન પાર કરી શકશે?