નીના ગુપ્તાએ પોતાના અંગત જીવન અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા અને કહ્યું કે ‘મેં મસાબાની જીંદગી બરબાદ કરી’ છે, ‘મેં હંમેશા ખોટા માણસને ડેટ કર્યો. પ્લીઝ મને ન પૂછશો કારણ કે હું ખૂબ જ મૂર્ખતાપૂર્ણ અને ખરાબ જવાબ આપીશ.’
મુંબઇ: પોતાની એક્ટિંગ ટેલેન્ટથી બોલિવૂડમાં ખાસ ઓળખ બનાવનારી નીના ગુપ્તા લોકો સમક્ષ પોતાની વાત કહેવામાં ક્યારેય સંકોચ અનુભવતી નથી. પોતાનું જીવન તે પોતાની શરતો પર અને દિલથી જીવે છે. ક્યારેક અવિવાહિત માતા તો ક્યારેક પરણિત પુરુષ સાથે લગ્ન, નીના તેના જીવનના દરેક પાસા પર નિખાલસતા સાથે વાત કરે છે. ફરી એકવાર નીનાએ પોતાના અંગત જીવન અંગે કેટલાક ખુલાસાઓ કરીને સૌને ચોંકાવી દીધા છે. નીનાએ સ્વીકાર્યું છે કે, તેણે હંમેશાં ખોટા માણસને ડેટ કર્યો. તે જ મસાબા ગુપ્તાના જીવનમાં મુશ્કેલીઓનું કારણ રહી છે.
નીના ગુપ્તાનો જન્મ 4 જૂન, 1959ના રોજ થયો હતો. 64 વર્ષિય નીનાએ દિલ્હી યુનિવર્સિટી અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો છે. ફિલ્મી દુનિયામાં પોતાના પાત્રો દ્વારા ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવનારી નીનાને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ સાથે જ તે ક્રિકેટર સર આઇઝેક વિવિયન એલેક્ઝાન્ડર રિચર્ડ્સ સાથે રિલેશનશિપમાં હતી અને બંનેની એક દીકરી મસાબા ગુપ્તા છે. નીનાએ હાલમાં જ રણવીર અલાહબાદીયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાની પર્સનલ લાઇફ વિશે મન ખોલીને વાત કરી હતી.
‘મેં હંમેશા ખોટા માણસને ડેટ કર્યો’
આ ઇન્ટરવ્યૂ દરમિયાન નીનાએ પતિ વિવેક મહેરા અંગે જણાવ્યું કે, “જ્યારે હું મારા વર્તમાન પતિને મળી તો તે પહેલાથી જ પરિણીત હતા, તેમના બાળકો હતા. જેથી ઘણી બધી મુશ્કેલીઓ આવી. અમે કપલ થેરાપી લીધી. કારણ કે વાતચીત કરવી જરૂરી છે. પોતાની સાથે પણ વાતચીત કરવી જોઇએ. એટલું જ નહીં હું દીવાલ સાથે પણ વાત કરી શકું છું.” નીનાને જ્યારે રીલેશનશિપ અંગે સલાહ આપવા અંગે કહેવામાં આવ્યું તો, તેનું કહેવું હતું કે, હું રીલેશનશિપ અંગે સલાહ આપવા માટે યોગ્ય વ્યક્તિ નથી. મેં હંમેશા ખોટા માણસને ડેટ કર્યો. પ્લીઝ મને ન પૂછશો કારણ કે હું ખૂબ જ મૂર્ખતાપૂર્ણ અને ખરાબ જવાબ આપીશ.
આ દરમિયાન નીનાએ પોતાની દીકરી મસાબા ગુપ્તા વિશે પણ પોતાના મનની વાત કહી હતી. “મારાથી ભૂલ થઈ ગઈ. જ્યારે મધુ મન્ટેના સાથે મસાબા રિલેશનશિપમાં હતી, ત્યારે તે લિવ-ઇનમાં રહેવા માંગતી હતી. પણ મારું કહેવું હતું કે, તારે લગ્ન કરવા જોઇએ. આ એક મોટી ભૂલ હતી. તેઓ અલગ થઈ ગયા. હું ભાંગી પડી હતી.”