મુંબઇ: ગુજરાતના અમદાવાદના એક વેપારીએ મુંબઈ ક્રાઇમ બ્રાંચ અને સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ઓનલાઇન ક્રિકેટ કુશળતા આધારિત રમત માટે ડિસ્ટ્રિબ્યુટર બનાવવાના બહાને તેને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની કંપનીએ 3 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. એક અધિકારીએ આ માહિતી આપી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ ફરિયાદની ચકાસણી કરી રહી છે અને તે મુજબ એફઆઈઆર નોંધાવવા અંગે નિર્ણય લેશે. અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદી હિરેન પરમારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કંપનીએ તેમના જેવા કેટલાય લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.
ઓનલાઇન નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદી હિરેન પરમારે આરોપ લગાવ્યો છે કે વિઆન ઈન્ડસ્ટ્રીઝે તેમને વચન આપ્યું હતું કે તેને “ગેમ ઓફ ડોટ” નો ડિસ્ટ્રિબ્યુટર બનાવવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જોકે કંપનીએ પોતાનું વચન પાળ્યું ન હતું, ત્યારબાદ તેણે તેના દ્વારા રોકાણ કરેલા રૂ .3 લાખના રિફંડની માંગ કરી હતી, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી.
અધિકારીએ જણાવ્યું કે ફરિયાદીએ દાવો કર્યો છે કે તેણે 2019 માં ગુજરાત સાયબર વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, પુખ્ત ફિલ્મોના વિતરણ માટે મોબાઇલ એપ્લિકેશન ચલાવવાના આરોપમાં કુંદ્રાની ધરપકડ કરવામાં આવ્યા બાદ પરમારે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો હતો.
આપને જણાવી દઈએ કે, મુંબઇ પોલીસની ક્રાઈમ બ્રાંચ રાજ કુંદ્રા અશ્લીલતા કેસમાં , શિલ્પા શેટ્ટીની ફરીથી પૂછપરછ કરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શિલ્પા શેટ્ટીનો ફોન પણ ક્રાઈમ બ્રાંચ દ્વારા ક્લોન કરવામાં આવશે.