ભારતીય ક્રિકેટમાં ‘ગબ્બર’ના નામથી પ્રખ્યાત શિખર ધવન હવે અભિનય ક્ષેત્રે પગ મૂકવા જઈ રહ્યો છે. ધવનનો થોડા મહિના પહેલા ફિલ્મ નિર્માતાઓએ સંપર્ક કર્યો હતો, જે તેમણે સ્વીકાર્યો હતો અને હવે ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. તેની ફિલ્મ પણ આ વર્ષે રિલીઝ થઈ શકે છે.
શિખર એક મોટી મેઈનસ્ટ્રીમ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે. આ માટે ધવને પણ કમર કસી લીધી છે. રિપોર્ટ અનુસાર, ધવને આ માટેનું શૂટિંગ પહેલા જ પૂરું કરી લીધું હતું. હાલમાં પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. આ સાથે જ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર થયું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ધવનને ફિલ્મની ઑફર મળી ત્યારે તે ખૂબ જ ખુશ હતો અને તેણે તરત જ હા પાડી દીધી. ફિલ્મના નિર્માતાએ પણ ધવનને તે પાત્ર માટે શ્રેષ્ઠ ગણાવ્યો હતો. ધવન આ ફિલ્મમાં મુખ્ય પાત્રોમાંથી એક હશે. આ ફિલ્મ પણ આ વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે.
આ સિવાય ધવન ગયા વર્ષે ઓક્ટોબરમાં અક્ષર કુમારની આગામી ફિલ્મ ‘રામ સેતુ’ના સેટ પર જોવા મળ્યો હતો. પછી એવી અફવાઓ હતી કે ધવન પણ રામ સેતુ ફિલ્મનો એક ભાગ છે. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ધવન આ ફિલ્મનો ભાગ નહીં હોય. અક્ષર કુમાર સાથે રામ સેતુમાં જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા જોવા મળશે.
અક્ષય અને રણવીર સિંહ સાથે ધવનના સંબંધો ઘણા સારા છે. ધવને ગયા વર્ષે ડિસેમ્બરમાં રણવીર સાથેની એક તસવીર પણ શેર કરી હતી. તેના કેપ્શનમાં ધવને લખ્યું- ભાઈ, હંમેશની જેમ આ વખતે પણ તમારી સુંદર મુલાકાત થઈ. ધવન હાલ આઈપીએલમાં વ્યસ્ત છે. તે પંજાબ કિંગ્સ ટીમનો ભાગ છે.