સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થશે તે કોઈને ખબર નથી. અવારનવાર અહીં અલગ-અલગ પ્રકારના ગીતો અને ડાન્સના વીડિયો વાઈરલ થાય છે, ત્યારબાદ તે ટ્રેન્ડ બની જાય છે અને પછી તેના પર વીડિયો બનાવવાની રેસ શરૂ થઈ જાય છે. હાલમાં, ‘મોયે મોયે’ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ ચર્ચામાં છે. દરેક વ્યક્તિ તેના પર રીલ બનાવવામાં વ્યસ્ત છે, પરંતુ શું તમે જાણો છો કે આ ‘મોયે મોયે’ શું છે ? જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે?
ખરેખર, આ સર્બિયન ગીત છે. વાસ્તવમાં આ ગીત ‘મોયે મોરે’ છે, પરંતુ ભારતમાં તેને ‘મોયે મોયે’ તરીકે ઉચ્ચારવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આ ગીતનો ક્રેઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોકથી શરૂ થયો હતો અને પછી થોડા દિવસોમાં તે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર અને યુટ્યુબ જેવા અલગ-અલગ પ્લેટફોર્મ પર ફેલાઈ ગયો હતો. આ ગીતે વિશ્વભરના સોશીયલ મિડીયા યુઝર્સને પાગલ કર્યા છે.
અહેવાલો અનુસાર, ત્રણ મિનિટનું આ વાયરલ ગીત ‘મોયે મોરે’ સર્બિયન સિંગર અને મ્યુઝીશિયન તેયા ડોરાએ ગાયું છે. જો કે આ ગીતનું અસલી નામ ‘મોયે મોરે’ કે ‘મોયે મોયે’ નથી પરંતુ ગીતનું ઓફિશિયલ શીર્ષક ‘ડઝાનમ’ છે. ગીતના બોલ સર્બિયન રેપર સ્લોબોડન વેલ્કોવિકે કોબી સાથે મળીને કંપોઝ કર્યા હતા, જ્યારે લોકા જોવાનોવિકે સૂર કંપોઝ કર્યો હતો, જે હવે લોકોના મનમાં છવાઈ ગયો છે. આ ગીતને યુટ્યુબ પર ૫૭ મિલિયન એટલે કે ૫.૭ કરોડથી વધુ વખત જોવામાં આવ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર, સર્બિયામાં ‘મોર’ નો અર્થ ‘ખરાબ સ્વપ્ન’ છે. આ ગીતમાં અધૂરી આકાંક્ષાઓની પીડા, નિરાશા વચ્ચે ઉજ્જવળ ભવિષ્ય માટે સતત સંઘર્ષ અને વારંવાર આવતા સપનાઓ સામે લડતા, નિરાશા અને એકલતાની લાગણીની વાર્તા દર્શાવવામાં આવી છે. ભલે લોકોને આ ગીતનો અર્થ ખબર ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર હાલ વાઇરલ સેંસેશન બની ગયું છે.