મુંબઈ. કોરોના મહામારીના કારણે દેશમાં આરોગ્ય અને આર્થિક વ્યવસ્થા પર અસર થઈ છે. સંક્રમણની ચેઇન તોડવા માટે કેટલાક રાજ્યોમાં આવશ્યક વસ્તુઓ સિવાયના એકમો બંધ રાખવામાં આવ્યા છે. કોરોનાને કારણે સિનેમા હોલ પણ બંધ છે. આવી સ્થિતિમાં બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’13 મેએ રિલીઝ થવા તૈયાર છે, પરંતુ થિયેટરો ખુલ્લા ન હોવાના કારણે મોટું નુકસાન જાય તેવી દહેશત છે.
આ દરમિયાન સલમાન ખાને ઝૂમના માધ્યમથી પત્રકારોને કહ્યું હતું કે, ઝીના સહયોગ વગર હું ચાહકો સાથેની ઈદની વચનબદ્ધતા જાળવી શક્યો ન હોત. મહામારીના કારણે ઘણા લોકો તકલીફમાં છે, ત્યારે આ ફિલ્મ રિલીઝ થાય તે જરૂરી હતું. લોકોની આવક ઘટી છે. ત્યારે સિનેમાઘરોમાં ટીકીટ પાછળ વધુ ખર્ચો કરવાના સ્થાને લોકો ઘરે બેઠા ખૂબ સસ્તા દરે ફિલ્મ જોઈ શકે છે. અત્યારના ભયાનક સમયે હું લોકોને મનોરંજન અપાવા માંગુ છું.
ચાલુ વર્ષે થિયેટરોને મસમોટું નુકસાન થયું છે. સલમાન ખાનની ફિલ્મથી સિનેમાઘરોના માલિકોને રાહતની અપેક્ષા હતી. આ મામલે સલમાને સિનેમાઘરોના માલિકોની માફી માંગીને કહ્યું કે, રાધેનુ બોક્સ ઓફિસ કલેક્શન ઝીરો રહેશે. સલમાનની ફિલ્મ માટે આ અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો હશે. લોકોને તેનાથી ખુશ કે દુઃખી રહેવા દો. દેશના ગણ્યાગાંઠ્યા સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ થશે. વિદેશોમાં પણ થિયેટરોની સંખ્યા સામાન્ય કરતા ઓછી છે. તેથી ફિલ્મનું બોક્સ ઓફીસ કલેક્શન નબળું રહેશે.
આ ફિલ્મ દેશભરના મુઠ્ઠીભર સિનેમા હોલમાં રિલીઝ થવાની છે. કોરોના વાયરસે ફિલ્મ રિલીઝનો ઉત્સાહ મારી નાંખ્યો છે. પરંતુ ગૂગલ ટ્રેન્ડમાં આ ફિલ્મના ઓનલાઈન બુકીંગને લઈ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેના પરથી કહી શકાય કે, સલમાનના ચાહકોને ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ સ્થાનિક થિયેટરમાં માણવા ઓનલાઈન ટીકીટ મળશે તેવી આશા છે.
નોંધનીય છે કે, ડિશ, D2H, ટાટા સ્કાય અને એરટેલ ડિજિટલ સહિતની ડીટીએચ સર્વિસના દર્શકોને આ ફિલ્મ જોવાનો લ્હાવો મળશે. દર્શકો તેમની પસંદગીના કોઈપણ પ્લેટફોર્મ પર આ એક્શન ફિલ્મ જોવાની તક ઝડપી શકશે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુ દેવાએ કર્યું છે. ફિલ્મમાં જેકી શ્રોફ, રણદીપ હૂડા અને દિશા પટણી મહત્વની ભૂમિકામાં જોવા મળશે.