બોલિવૂડના ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડીયા(FTII)ના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે ઈન્ટરનેશનલ શોમાં બિઝી હોવાનું કારણ આગળ ધર્યું છે. ખેરે કહ્યું છે કે FTIIની જવાબદારી પર તેઓ ફોક્સ કરી શકતા નથી. ખેરને ઓક્ટોબર 2017માં FTIIના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
અનુપમ ખેર હાલ એક ઈન્ટરનેશલ ટીવી સિરીઝ સાથે જોડાયેલા છે. તેમનું કહેવું છે કે FTIIને સમય ફાળવી શકતો નથી. જેથી કરીને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. અનુપમ ખેર અમેરિકાના મેડીકલ ડ્રામા ન્યૂ એમ્સટર્ડમમાં ડો.અનિલ કપુરની ભૂમિકા ભજવી રહ્યા છે.
અનુપમ ખેરે રાજીનામું આપતા લખ્યું કે ઈન્ટરનેશનલ શોમાં ચાર મહિનાનો વધારો થયો છે. આના કારણે વધુ ત્રણ મહિના અમેરિકામાં રહેવું પડે એમ છે. હાલમાં પણ તેઓ અમેરિકામાં જ છે. વિદેશમાં રોકાણ હોવાથી FTIIના મેનેજમેન્ટ અને વિદ્યાર્થીઓને સમય આપી શકી રહ્યા નથી. આ કારણોસર તેઓ FTIIની જવાબદારીમાંથી મૂક્ત થવા માંગી રહ્યા છે.
FTIIના ચેરમેન પદે અનુપમ ખેરની પાછલા વર્ષે ઓક્ટોબર મહિનામાં નિમણૂંક કરવામાં આવી હતી. અનુપમ ખેર પૂર્વે FTIIના ચેરમેન તરીકે ગજેન્દ્ર ચૌહાણની નિમણૂંક કરવામાં આવી હતી, પણ ગજેન્દ્રની સામે ભારે વિવાદ થયો હતો. અનુપમે ત્યારે કહ્યું હતું કે ગજેન્દ્ર સાથે વિશેષ કોઈ ઓળખાણ નથી. પરંતુ FTIIના ચેરમેન પદ માટે યોગ્યતાની વાત કરવામાં આવે તો ગજેન્દ્રની પાસે યોગ્યતાનો અભાવ છે. અનુપમ ખેરના પત્ની કિરણ ખેર ચંડીગઢથી ભાજપના સાંસદ છે. અનુપમને ભાજપના ટેકેદાર માનવામાં આવી રહ્યા છે. તેમને 2004માં પદ્મશ્રી અને 2016માં પદ્મ વિભૂષણની નવાજેશ કરવામાં આવી હતી. રાજીનામું આપવા પાછળ અનુપમે આપેલા કારણો ગળે ઉતરી રહ્યા નથી. એક તો અનુપમ પાછલા લાંબા સમયથી વિદેશમાં જ છે અને હવે જ્યારે માત્ર ત્રણ મહિનાનો સવાલ આવ્યો છે ત્યારે અચાનક આપેલું રાજીનામું ઘણા તર્ક-વિતર્ક સર્જનારું બની રહ્યું છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે અનુપમનો ભાજપ પ્રેમ હવે ઓસરી રહ્યો છે. બાકી પોસ્ટ પર ચાલુ રહેવા માટે તેમની વ્યસ્તતા આડે આવી નથી તો હવે શું કામ આડે આવી રહી છે.