ફિલ્મ એનિમલને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે પરંતુ આવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરવા છતાં આ અભિનેતા આગળ કામ નથી મળી રહ્યું, કહ્યું ‘હું હાલ કામ શોધી રહ્યો છું..’મને આશા છે કે એનિમલ જોયા પછી ફિલ્મમેકર મને ફોન કરશે. મને કહેવામાં કોઈ સંકોચ નથી કે હું હાલ કામ શોધી રહ્યો છું. આ શબ્દો છે અભિનેતા સિદ્ધાંત કર્ણિકના.
રણબીર કપૂર, બોબી દેઓલ, અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીની એનિમલ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, એવામાં હવે ત્રીજા સપ્તાહના અંતે ભારતમાં ફિલ્મની કમાણી રૂ. 500 કરોડને વટાવી ગઈ છે, જે રેકોર્ડ બ્રેકિંગ છે. ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે પરંતુ આવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરવા છતાં આ અભિનેતા આગળ કામ નથી મળી રહ્યું..
એનિમલ આટલી હિટ થઈ છતાં મારી પાસે કામ નથી
અભિનેતા સિદ્ધાંત કર્ણિકે ફિલ્મમાં રણબીર કપૂરના જીજાજીનો રોલ કર્યો હતો. ફિલ્મી સફળતા બાદ એવ વાતચીત દરમિયાન સિદ્ધાંતે ખુલાસો કર્યો હતો કે તેની પાસે હવે એનિમલ પછી કોઈ કામ નથી. અભિનેતાએ કહ્યું- અફઘાન સ્નોમાં એક નાનો રોલ છે. જોકે આ પછી મારી પાસે કોઈ નક્કર કામ નથી. આ વર્ષે મેં ત્રણ પ્રોજેક્ટમાં કામ કર્યું. પરંતુ હવે લાઇનઅપમાં આગળ કંઈ નથી. ‘
મને કહેવામાં કોઈ સંકોચ નથી કે હું હાલ કામ શોધી રહ્યો છું
અભિનેતાએ કહ્યું કે ‘મને કહેવામાં કોઈ સંકોચ નથી કે હું હાલમાં કામની શોધમાં છું. આ ફિલ્મ જોયા પછી મને આશા છે કે ફિલ્મમેકર મને ફોન કરશે અને મીટિંગ માટે પૂછશે. હું પ્રામાણિક અને પારદર્શક બનવા માંગુ છું કારણ કે મને લાગે છે કે અભિનેતા તરીકે અમારી ભૂલ છે કે અમે અમારી નબળાઈઓ વિશે પૂરતી વાત કરતા નથી. આપણે હંમેશા ગ્લેમર અને સફળતાની જ વાત કરીએ છીએ, તેથી દર્શકો પણ વિચારે છે કે આ ઇન્ડસ્ટ્રીમાં આ આવું જ બધુ છે.’
સિદ્ધાંતે આગળ કહ્યું- ‘હું છેલ્લા 20 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છું. મને લાગે છે કે હું આગામી 10 વર્ષ માટે પણ શાનદાર પ્રદર્શન કરીશ. પરંતુ અત્યારે મારી પાસે કોઈ કામ નથી, પરંતુ આશા છે કે મને સારી તકો મળશે.’ જણાવી દઈએ કે એનિમલ પહેલા સિદ્ધાંત આદિપુરુષ, મેડ ઇન હેવનમાં જોવા મળ્યો હતો.
રિપોર્ટ અનુસાર, ‘એનિમલ’એ તેની રિલીઝના 17માં દિવસે એટલે કે ત્રીજા રવિવારે 15 કરોડ રૂપિયાનું રેકોર્ડ બ્રેક કલેક્શન કર્યું છે. 17 દિવસમાં ‘એનિમલ’ની કુલ કમાણી હવે 512.94 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. સાથે જ આ ફિલ્મે વિશ્વભરમાં રેકોર્ડ બ્રેક કલેક્શન પણ કર્યું છે. 16 દિવસમાં ‘એનિમલ’એ વિશ્વભરમાં 817.36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મ 17માં દિવસે 830 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કરે તેવી આશા છે.