ફિલ્મ નિર્માતા કરણ જોહર આગામી રવિવારે મુંબઈ ખાતે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની આગામી તમિલ ફિલ્મ ૨.૦નો ફર્સ્ટલુક લોન્ચ કરશે. લાયકા પ્રોડક્શન તરફથી જાહેર કરવામાં આવેલ સત્તાવાર નિવેદન મુજબ મુંબઈના પ્રતિષ્ઠિત યશરાજ સ્ટુડીયોમાં આ ફર્સ્ટલુક લોન્ચિંગનો કાર્યક્રમ યોજાશે. જેમાં ફિલ્મના તમામ કલાકારો પણ હાજરી આપશે.
ફિલ્મના નિર્માતાઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે આ કાર્યક્રમની યજમાની બોલીવુડ ફિલ્મ નિર્માતા કરણ જોહરને સોંપાઈ છે. શંકરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ વર્ષ ૨૦૧૦માં આવેલ તમિલ ફિલ્મ એન્થીરમ (રોબોટ)ની સિક્વલ હશે. કથિત રીતે આ ફિલ્મ ૩૫૦ કરોડ રૃપિયાના બજેટમાં બનાવાઈ છે. ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત અક્ષય કુમાર, એમી જેક્શન,સુધાંશુ પાંડે, આદિલ હુસૈન જેવા ટોચના કલાકારો નજરે પડશે. તેમજ ફિલ્મનું સંગીત ઓસ્કાર એવોર્ડ વિજેતા સંગીત ડાયરેક્ટર એઆર રહેમાને આપ્યુ છે. આ ફિલ્મ આગામી વર્ષે હિન્દીમાં પણ રીલીઝ થશે.