નવરાત્રિના આઠમા દિવસે દેવી મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. ચાર હાથોવાળી દેવી પોતાના જમણા હાથમાંથી એક હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે અને બીજો હાથ અભય મુદ્રામાં છે. તેમના ડાબા હાથમાંથી એક હાથમાં ડમરું અને બીજો હાથ વરદ મુદ્રામાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ રાહુ ગ્રહનું સંચાલન કરે છે. માતા દુર્ગાનું આઠમું રૂપ મહાગૌરીનું છે. તેમની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે. વિધિપૂર્વક તેમનું સ્મરણ અને પૂજન કરવાથી વેપાર, દાંપત્ય જીવન, સુખ-સમૃદ્ધિ, ધન વગેરેમાં વધારો થાય છે. જે લોકોને અભિનય, ગાયન, નૃત્ય વગેરે ક્ષેત્રમાં આગળ વધવું હોય તેમને દેવીની પૂજાથી વિશેષ સફળતા મળે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી ત્વચા સંબંધી રોગોનું નિવારણ થઈ જાય છે. ચૈત્ર નવરાત્રિના આઠમા દિવસે દેવી મહાગૌરીના પૂજનમાં ચમેલી અને કેસરના ફૂલ માતાને ચઢાવો. પોતાના શ્વેત વર્ણને કારણે તેમની તુલના શંખ, ચંદ્રમા અને કંદ્રના શ્વેત પુષ્પ સાથે કરવામાં આવે છે. તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે એટલા માટે તેમને શ્વેતાંબરધરા પણ કહેવામાં આવે છે.
કથા-
કહેવાય છે કે ભગવાન શિવને દરેક રૂપમાં પ્રાપ્ત કરવા માટે તેમને કઠોર તપસ્યા કરી હતી. જેનાથી તેમનું શરીર કાળું પડી ગયું હતું. તેમની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી. તેમના શરીરનો રંગ તપસ્યાથી કાળો પડી ગયો હતો તેના કારણે મહાદેવે તેમને ગંગાજળથી ધોયા તો તેઓ ફરીથી ગૌર અર્થાત્ ગોરા રંગવાળા બની ગયા. તેને લીધે તેમનું નામ ગૌરી પડ્યું, એટલા માટે જ કહેવાય છે કે ભક્તોએ મહાગૌરીનું વ્રત અષ્ટમીએ કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે.
બીજી એક કથા પ્રમાણે માતા ઉમા જંગલમાં તપસ્યા કરી રહી હતી ત્યારે વનમાં એક ભૂખ્યો સિંહ ફરી રહ્યો હતો. જ્યારે સિંહે દેવીને તપસ્યા કરતા જોયા તો તેની ભૂખ વધી ગઈ અને તેમને ખાવાની ઈચ્છાથી સિંહ માતાની તપસ્યા પૂર્ણ થવાની રાહ જોતો રહ્યો. જેમ સમય વિતતો ગયો તેમ સિંહ ખૂબ જ દુબળો પડી ગયો હતો. દેવી જ્યારે તપમાંથી ઊભા થયા ત્યારે સિંહની હાલત જોઈને તેમને દયા આવી અને માતાએ સિંહ ઉપર સવારી લીધી અને એક પ્રકારે તેને પણ દેવી સાથે તપસ્યા હતી હતી. એટલા માટે મહાગૌરીનું વાહન બળદ અને સિંહ એમ બંને છે.