20 મે બુધવારે વદ પક્ષની તેરસ તિથિ હોવાથી આ દિવસે પ્રદોષ વ્રત કરવામાં આવશે. બુધવારે તેરસ તિથિમાં ભગવાન શિવની પૂજા કરવાથી બીમારીઓ અને દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. શિવપુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રતને દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરનાર વ્રત માનવામાં આવે છે. દર મહિનાના સુદ અને વદ પક્ષની તેરસ તિથિએ આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રત ભગવાન શિવને સમર્પિત છે. આ વ્રતમાં સાંજે પ્રદોષકાળમાં ભગવાન શિવની પૂજા કરવી જોઇએ.
સૂર્યાસ્ત બાદ અને રાત પહેલાંના સમયને પ્રદોષકાળ કહેવામાં આવે છે. તેરસ તિથિનો દરેક વાર સાથે વિશેષ સંયોગ હોવાથી તેનું મહત્ત્વપૂર્ણ ફળ પણ મળે છે. પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ વ્રત નિર્જળ એટલે પાણી વિના કરવામાં આવે છે. આ વ્રતની વિશેષ પૂજા સાંજે કરવામાં આવે છે. સાંજે સૂર્ય અસ્ત થતાં પહેલાં એકવાર સ્નાન કરી લેવું જોઇએ. સાફ સફેદ રંગના કપડાં પહેરીને પૂર્વ દિશામાં મોઢું રાખીને ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવી જોઇએ. પૂજાની તૈયારી કર્યા બાદ ઉત્તર-પૂર્વ દિશા તરફ મોં રાખીને ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ.