1 એપ્રિલે ચૈત્ર મહિનાની નવરાત્રિ અને બુધવારનો યોગ છે. આ દિવસે દેવી દુર્ગા સાથે ગણેશજીની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. ગણેશજીની પૂજામાં બધી જરૂરી વસ્તુઓ રાખવી અને યોગ્ય રીતે પૂજા કરવાથી પોઝિટિવ ફળ જલ્દી જ મળી શકે છે. ઘરના મંદિરમાં પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં મૂર્તિમાં શ્રીગણેશ અને દેવી દુર્ગાનું આવાહન કરો. આવાહન એટલે દેવી-દેવતાને પોતાના ઘરે આમંત્રિત કરો. આસન આપો. મૂર્તિઓને સ્નાન કરાવો. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવો અને તેનાથી સ્નાન કરાવો ત્યાર બાદ જળથી સ્નાન કરાવો.
મૂર્તિઓને વસ્ત્ર અને આભૂષણ અર્પણ કરો. ગણેશજીને જનોઈ પહેરાવો. માતાજી અને ગણેશજીને હાર પહેરાવો. અત્તર અર્પણ કરો. તિલક લગાવો. ધૂપ, કપૂર અને દીવો પ્રગટાવો. આરતી કરો. પરિક્રમા કરો. ભોગ ધરાવો, પાન ચઢાવો. ગણેશજીને દૂર્વા અને માતાજીને લાલા ચુંદડી અર્પણ કરો. દક્ષિણા અર્પણ કરો. ગણેશજીના મંત્ર શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. પૂજાના અંતમાં કોઇ અજાણતાં ભૂલ થઇ હોય તો માફી માંગો. અન્ય ભક્તોને પ્રસાદ આપો અને સ્વયં પણ ગ્રહણ કરો.