ભારતની પહેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન પીવી સિંધુ સોમવરે રાત્રે જ્યારે સ્વદેશ પરત ફરી ત્યારે એરપોર્ટ પર જ તેનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિવારે સ્વિટઝરલેન્ડના બાસેલમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિંધુએ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને ટાઇટલ જીત્યું હતું અને તે સોમવારે રાત્રે નેશનલ કોચ પુલેલા ગોપીચંદની સાથે એરપોર્ટ પર ઉતરી ત્યારે તેને આવકારવા માટે મોટી સંખ્યામાં એરપોર્ટ પર હાજર લોકો તેને ઘેરી વળ્યા હતા.
પોતાના વ્યસ્ત કાર્યક્રમને કારણે થાકેલી હોવા છતાં સિંધુએ સહનશિલતાનો પરિચય આપ્યો હતો અને તેણે પોતાના ચહેરા પરના સ્મિતને જાળવી રાખીને પોતાના તમામ સમર્થકો અને મીડિયાને પુરી પ્રાથમિકતા આપી હતી. સિંધુને એકસાથે ઘણાં સવાલ કરાયા હતા. તેણે કહ્યું હતું કે હું ખરેખર ખુશ છું, મને મારા દેશ પર ગર્વ છે. આ જીતની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી અને હું ઘણી ખુશ છું. તેણે કહ્યું હતું કે મારા તમામ પ્રશંસકોનો હું આભાર માનું છું તેમની પ્રાર્થનાને કારણે જ આખરે આ સંભવ બન્યું છે. હું મારા કોચ ગોપી સર અને કિમ જી હ્યુનનો પણ આભાર માનીશ કે જેમણેં ઘણા પ્રયાસ કર્યા અને મારી ગેમમાં કેટલાક બદલાવ કર્યા.