ગુજરાત કોંગ્રેસમાં નવી નિમણૂંકોનો ગંજીફો ચીપાઈ રહ્યો છે. સંગઠનની નવી નિમણૂંકો જાન્યુઆરી મહિનામાં કરી દેવામાં આવે તેવી શક્યતા છે ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કેટલાક નામોની ચર્ચા ચાલી રહી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના નેતા વિપક્ષ તરીકે પણ નવી નિમણૂંક કરવામાં આવે તેવું કોંગ્રેસ વર્તુળો જણાવી રહ્યા છે.
કોંગ્રેસ વર્તુળોના જણાવ્યા મુજબ અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા માટે AMCના પૂર્વ વિપક્ષી નેતા એવા દિનેશ શર્માને અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા છે. દિનેશ શર્મા પાસે અમદાવાદના દરેક વોર્ડ અંગે જાણકારી છે અને તેમણે કોર્પોરેશનમાં વિપક્ષી નેતા તરીકે ભાજપની સામે ઝીંક ઝીલી છે. તેઓ ચાંદખેડા વિસ્તારમાંથી આવે છે અને અમદાવાદ પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારમાં દિનેશ શર્માની સંગઠનને લઈ સારી એવી પકડ છે.
દિનેશ શર્મા ઉપરાંત સુરેન્દ્ર કુમાર બક્ષીનું નામ પણ ચર્ચામાં છે. જોકે,કોર્પોરેશનની ગઈ ચૂંટણીમાં તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો અને પોતાના પુત્રને ચૂંટણી લડાવી હતી. જોકે, સંગઠનમાં તેઓ કાર્યરત થઈ શકે એવી સંભાવના નકારી શકાતી નથી.
બીજી તરફ અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ ઉપરાંત AMCમાં વિપક્ષ નેતા તરીકે પણ ફેરફાર આવી શકે છે. AMCના વિપક્ષ નેતા તરીકે ઈકબાલ શેખનું નામ ચર્ચામાં છે. લઘુમતિ સમાજે અમદાવાદમાં આ વખતે મુસ્લિમને વિપક્ષ નેતા બનાવવાની માંગ પણ કરી છે અને આ માટે પ્રદેશ સ્તર સુધી રજૂઆત પણ કરવામાં આવી છે.
આમ પણ ઓવૈસીની પાર્ટી તરફ મુસ્લિમોના વધી રહેલા ઝોકને અટકાવવા માટે કોંગ્રેસ AMCમાં મુસ્લિમ સાચવી લેવાની વિચારણ કરતી હોવાનું જણાય છે. ઈકબાલ શેખ ગોમતીપુર વોર્ડમાંથી ચૂંટણી જીત્યા છે. આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અમદાવાદના શહેર પ્રમુખ અને AMCના વિપક્ષી નેતાની પસંદગી કરશે એમ મનાય છે.