ગાંધીનગર – જેની ખેડૂતો ચાતક નજરે રાહ જોઇ રહ્યાં છે તે ચોમાસુ 2020 આ વર્ષે નોર્મલ છે અને સમયસર છે. રાજ્યમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઇ જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પાંચ દિવસ સુધી પ્રિ-મોનસૂન એક્ટિવ રહેશે પરંતુ તે ચોમાસાને ડિસ્ટર્બ નહીં કરે. વિધિવત સિઝન 25મી જૂનની આસપાસ શરૂ થાય તેવી વકી છે.
ગુજરાતના હવામાન વિભાગના ડાયકેક્ટર ડો. જ્યંત સરકાર કહે છે કે તાજેતરમાં અરબી સમુદ્રમાં આવેલા નિસર્ગ વાવાઝોડાની અસર સામાન્ય ચોમાચા પર થવાની નથી. ચોમાસું નિયમિત રીતે શરૂ થશે. આ વર્ષે સમગ્ર દેશમાં 94 થી 104 ટકા જેટલો વરસાદ થવાનો છે.ગુજરાતમાં નિસર્ગ વાવાઝોડાની અસર પૂરી થયાં પછી પ્રિ-મોનસૂન એક્ટિવિટીએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ આપ્યો છે. હજી આ સ્થિતિ પાંચ દિવસ સુધી ચાલશે. અંદાજ મુજબ બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રની સંયુક્ત અસરથી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે દાવો કર્યો છે કે રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રભાવ 11મી જૂન પછી ઓછો થશે અને રેગ્યુલર ચોમાસાનું 21 થી 25મી જૂને શરૂઆત થશે. રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનો દક્ષિણ ગુજરાતથી પ્રારંભ થશે. આ ચોમાસાનો 1લી જૂનથી કેરળમાં પ્રારંભ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, મધ્ય અરેબિયન સમુદ્રમાં કર્ણાટક-તામિલનાડુ-પુડુચેરી-કેરિકલ તરફ નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે. તે હવે આગામી બે દિવસમાં પશ્ચિમમધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. આ વખતે ચોમાસું સાનુકૂળ રહે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા ઝાપટાં પડશે. આગામી પાંચ દિવસ જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ડાંગ, તાપી,નર્મદા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જુનાગઢનો મુખ્યત્વે સમાવેશ થાય છે. અમદાવાદમાં બે દિવસ વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની સંભાવના રહેશે.