ગાંધીનગર – ગુજરાતના પરપ્રાંતમાં ફસાયેલા લોકોને લાવવા માટે સરકારે 16 ઓફિસરોની નિયુક્તિ કરી છે. લોકડાઉનમાં ફસાયેલા ગુજરાતી લોકો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નક્કી કરેલી ગાઇડલાઇન પ્રમાણે ગુજરાતીઓને પાછા લાવવામાં આવશે.
રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 2720 વ્યક્તિઓને પાછા લાવવાની કાર્યવાહી કરી છે. સરકારે જાહેર કર્યું છે કે અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા ગુજરાતીઓને પાછા આવવા માટે તેમણે વેબપોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરીને તેમને 10 થી 15 દિવસમાં પાછા લવાશે. ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા જે તે વ્યક્તિ કે ગ્રુપ દ્વારા કરવાની રહેશે.
રાજ્ય સરકારે એવું પણ નક્કી કર્યું છે કે કોઇ બિમારીના લક્ષણો ધરાવતી વ્યક્તિઓને જે તે રાજ્યમાં રહેવાની સલાહ અપાશે. તેમને પાછા લાવવામાં નહીં આવે. સરકારે જે નોડલ ઓફિસરોની ટીમ બનાવી છે તેમાં આઠ આઇપીએસ અને આઠ આઇએએસ અધિકારીઓ છે જેમને વિવિધ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી રાજસ્થાનમાંથી 991, ઉત્તરપ્રદેશમાંથી 464, ઉત્તરાખંડમાંથી 743, મધ્યપ્રદેશમાંથી 283, છત્તીસગઢમાંથી 95 સહિત કુલ 2720 લોકોને પાછા લાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં પણ અન્ય રાજ્યોના આવા વિદ્યાર્થીઓ, યાત્રિકો, વ્યવસાયિકો અને ઔદ્યોગિક શ્રમિકો અટવાયેલા છે તેમણે પણ પોતાના વતન રાજ્યમાં પરત જવા ઇચ્છા દર્શાવી છે તેથી તેમના માટે પણ સરકાર વ્યવસ્થા કરી રહી છે. આવા યાત્રિકો-વ્યકિતઓને તેમના વતન રાજ્ય મોકલવાની વ્યવસ્થાઓ માટે પણ સંબંધિત જિલ્લા વહિવટીતંત્રોને આ નોડલ ઓફિસરો દિશાનિર્દેશ-માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રીએ અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીની સ્ટેટ નોડેલ ઓફિસર તરીકે નિયુકિત કરી છે. તેઓ આ બધા જ નોડલ ઓફિસરોને જરૂરિયાત મુજબ માર્ગદશર્ન આપશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર આ નોડલ ઓફિસરો પાસેથી આવી આંતરરાજ્ય હેરફેરની વિગતો દરરોજ મેળવીને તેનો રેકોર્ડ રાખશે. ગુજરાત બહારના રાજ્યોમાં સ્થગિત રહેલા-ફસાઇ ગયેલા વ્યકિતઓ, યાત્રિકોની વિગતો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની હેલ્પલાઇન 1070 પર પણ આપી શકાશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.