ગાંધીનગર કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે 20મી એપ્રિલથી દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આંશિક ઉદ્યોગલક્ષી તેમજ વાણિજ્યિક પ્રવૃત્તિઓ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અન્ય રાજ્યોની જેમ ગુજરાતને ત્રણ ઝોનમાં વહેંચી દીધું છે.
રેડ ઝોન છે એટલે કે જ્યાં હોટસ્પોટ છે ત્યાં લોકડાઉનમાં કોઇ છૂટછાટ આપવામાં નહીં આવે. જ્યાં કરફ્યુ છે તેવા વિસ્તારોમાં પણ કોઇ છૂટ નથી, પરંતુ ઓરેન્જ અને ગ્રીનઝોનમાં કેટલીક છૂટછાટ મળી શકે છે. જો કે ઓનલાઇન શોપિંગ કરતી કંપનીઓને હજી કોઇ પરમિશન આપવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં ત્રીજી મે સુધી એટલે કે લોકડાઉનના સમયગાળા દરમ્યાન હજી સિનેમાહોલ બંધ રહેશે. શોપિંગ કોમ્પલેક્સ અને મોલ્સ બંધ રાખવાનું નક્કી કરવામાં આવેલું છે. એન્ટરટેઇનમેન્ટ પાર્ક કે પ્રવાસન સ્થળો પણ બંધ રહેશે.
એ ઉપરાંત સોશ્યલ, પોલિટીકલ કે ધાર્મિક પ્રવૃત્તિ કરી શકાશે નહીં. એકેડેમિક પ્રવૃત્તિ પર પણ પ્રતિબંધ યથાવત છે. સ્પોર્ટ્સમાં લોકો એકત્ર થાય તેવી પ્રવૃત્તિ શરૂ નહીં થાય. ધાર્મિક સ્થાનો એટલે કે મંદિર અને મસ્જીદ સહિતના સ્થળો બંધ રહેશે. આ ધાર્મિક સ્થાનોમાં પૂજા કરવી હોય તો વધુ લોકોને એકત્ર કરી શકાશે નહીં. આ સમયમાં ટેક્સીકેબ જેવી કે ઉબેર અને ઓલા જેવી સર્વિસ શરૂ નહીં થઇ શકે. જો કે હાઇવે પરની ધાબા હોટલો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ તે માત્ર ટ્રાન્સપોર્ટેશનના વાહનો પુરતી છે તેથી સામાન્ય વ્યક્તિ ધાબા હોટલોમાં ભોજન માટે જઇ શકશે નહીં.
લોકડાઉનના સમયમાં શહેરી વિસ્તારથી દૂર ગ્રામ્ય વિસ્તારોમાં અને જ્યાં હોટસ્પોટ નથી તેવા વિસ્તારોમાં ઉદ્યોગ અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે. 20મીથી ગુજરાતમાં આ પ્રવૃત્તિઓ સાવચેતી સાથે કરી શકાશે. સરકારી કે ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી, તેમની સલામતી અને ટ્રાન્સપોર્ટેશન વાહનો પ્રમાણે મંજૂરીઓ આપવામાં આવશે. ઓફિસોમાં પ્રત્યેક વ્યક્તિના માસ્ક અને સેનેટાઇઝરની સુવિધા ફરજીયાત છે. એ સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવીને બેસવાનું રહેશે. કોન્ફરન્સ કે લોકો એકત્ર થાય તેવી મિટીંગો નહીં કરી શકાય. સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓની હાજરી મર્યાદિત કરવામાં આવી છે.
ઉદ્યોગો તેમજ બાંધકામમાં તબક્કાવાર છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, વલસાડ, કચ્છ, ભરૂચ અને અમદાવાદ જિલ્લા કલેક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો છે. વ્યાપારી સંગઠનોના પરામર્શમાં રહીને જિલ્લા કલેક્ટર નિર્ણય લઇ રહ્યાં છે. કચ્છમાં 45 એકમોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. હોટસ્પોટ અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ઓફિસો ચાલુ કરી શકાશે નહીં.
ખાનગી ઉદ્યોગો અને ઓફિસોમાં માલિકોએ કર્મચારીઓની અવરજવર માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરવાની રહેશે, કારણ કે પબ્લિક પરિવહન બંધ રહેવાનું છે. છૂટછાટ મેળવનારા એકમોના કર્મચારીઓને આઇકાર્ડ સાથે રાખવાનું પણ કહેવામાં આવ્યું છે.
અન્ય ક્ષેત્રો જેવાં કે ઇન્ડસ્ટ્રીયલ એગ્રીકલ્ચર, ખેતપેદાશો, ખેત ઓજારો, ખાતર, મત્સ્યોદ્યોગ, જંતુનાશક દવાઓ, પ્લાન્ટેશન, પશુપાલન અને નાણાકીય સંસ્થાઓને તબક્કાવાર છૂટ આપવામાં આવી છે.