વિશ્વની નંબર વન મહિલા જાપાનીઝ ખેલાડી નાઓમી ઓસાકાએ યુએસ ઓપનમાં પોતાના પહેલા રાઉન્ડની મેચ જીતવા માટે સંધર્ષ કરવો પડ્યો હતો. છેલ્લા બે વર્ષથી પહેલા રાઉન્ડમાં હારીને આઉટ થતી સિમોના હાલેપે પહેલા રાઉન્ડનો અવરોધ આ વર્ષે પાર કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. આ સિવાય 9મી ક્રમાંકિત એરીના સેબેલેન્કા, ડોના વેકિક, એલિસ મર્ટેન્સ, કેરોલિના વોઝ્નિયાંકી જીતીને આગળ વધ્યા હતા.
નાઓમી ઓસાકાએ પહેલા રાઉન્ડની મેચ જીતવા માટે થોડી મહેનત કરવી પડી હતી અને તેણે બિન ક્રમાંકિત રશિયન ખેલાડી એના બ્લિંકોવા સામે 3 સેટના સંઘર્ષ પછી 6-4, 6-7, 6-2થી વિજય મેળવ્યો હતો. સિમોના હાલેપે અમેરિકાની નિકોલ ગિબ્સ સામે ત્રણ સેટની લડત લડીને 6-3, 3-6, 6-2થી વિજય મેળવીને આગળ વધી હતી. 9મી ક્રમાંકિત એરીના સેબેલેન્કાએ વિક્ટોરિયા અઝારેન્કાને 3-6, 6-3, 6-4થી હરાવી હતી. ડોના વેકિકે રીચેલ હોગનકેમ્પને 7-6, 6-3થી જ્યારે એલિસ મર્ટેન્સે જીલ ટાઇક્મેનને 6-2, 6-2થી તો વોઝ્નિયાંકીએ વાંગ યફાનને 1-6, 7-5, 6-3થી હરાવી હતી.
કોરી કોકો ગોફે પણ એનાસ્તાસિયા પોટાપોવાને હરાવીને બીજા રાઉન્ડમાં
15 વર્ષની તરૂણી એવી કોરી કોકો ગોફે અહીં યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં પોતાના જેવી જ એક તરુણી એનાસ્તાસિયા પોટાપોવાને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. આ મેચમાં કોરી ગોફે પોતાના શૂઝ પર કોલ મી કોકો ગોફ લખીને ઉતરી હતી અને તેના કારણે દર્શકોમાં કુતુહલ સર્જાયું હતું. જો કોકો ગોફ બીજા રાઉન્ડની મેચ જીતશે તો ત્રીજા રાઉન્ડમાં તે નંબર વન નાઓમી ઓસાકા સાથે બાથ ભીડી શકે છે.