આધાર કાર્ડ બનાવનારી સંસ્થા UIDAIએ આધાર કાર્ડની વિગતો અપડેટ કરવાનો મોટો નિર્ણય લીધો છે. UIDAI લોકોને દર 10 વર્ષે તેમની બાયોમેટ્રિક વિગતો અપડેટ કરવાનું કહે છે. જો કે, UIDAIએ કહ્યું છે કે તે લોકોને તેમના બાયોમેટ્રિક ડેટાને સ્વેચ્છાએ અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
એક અહેવાલ મુજબ, અધિકારીઓએ કહ્યું છે કે સરકાર સમય જતાં લોકોને તેમના આધાર કાર્ડ સાથે જોડાયેલા ચહેરા અને ફિંગરપ્રિન્ટ સ્કેન અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરશે. 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.
હાલમાં, પાંચથી 15 વર્ષની વયજૂથના બાળકોને તેમના બાયોમેટ્રિક્સ અપડેટ કરવા જરૂરી છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની આધાર નોંધણી બાળકના ચહેરાના ફોટોગ્રાફ, માતાપિતા અથવા વાલીના બાયોમેટ્રિક પ્રમાણીકરણના આધારે કરવામાં આવે છે.
સત્તાવાર સ્ત્રોતોને ટાંકીને, પીટીઆઈએ અહેવાલ આપ્યો કે UIDAI લોકોને 10 વર્ષમાં એકવાર સ્વૈચ્છિક રીતે તેમના બાયોમેટ્રિક્સ અને વસ્તી વિષયક ડેટાને અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરશે. આનાથી લોકોને સમયાંતરે તેમના આધાર અપડેટ કરવા માટે સંકેત મળી શકે છે.