હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં આ તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં શ્રીરામનો જન્મ થયો હતો. આ વર્ષે 2 એપ્રિલ એટલે કે આજે આ પર્વ ઉજવવામાં આવે છે. શ્રીરામના જન્મ સમયે ગ્રહોની શુભ સ્થિતિ સાથે દુર્લભ યોગ પણ બની રહ્યાં હતાં.પૌરાણિક કથા પ્રમાણે ભગવાન રામનો અવતાર ત્રેતાયુગમાં થયો હતો. અયોધ્યાના રાજા દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને યજ્ઞથી ખીર પ્રાપ્ત કરી. દશરથે પોતાની પ્રિય પત્ની કૌશલ્યાને તે ખીર આપી. કૌશલ્યાએ તેમાંથી અડધો ભાગ કૈકેયીને આપ્યો, ત્યાર બાદ કૌશલ્યા અને કૈકેયીએ પોતાની ખીરમાંથી અડધો-અડધો ભાગ પત્ની સુમિત્રાને આપી દીધો હતો. આ ખીરના સેવનથી ચૈત્ર સુદ નોમના દિવસે પુનવર્સુ નક્ષત્ર તથા કર્ક લગ્નમાં માતા કૌશલ્યાની કોખથી ભગવાન શ્રીરામનો જન્મ થયો અને તેવી જ રીતે કૈકેયીથી ભરત અને સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો.
રામનવમીએ સવારે જલ્દી જાગીને સૂર્યને જળ ચઢાવવું. ત્યાર બાદ આખો દિવસ નિયમ અને સંયમ સાથે મર્યાદા પુરૂષોત્તમનું વ્રત કરવું. આ પર્વમાં ભગવાન શ્રીરામની જેમ મર્યાદામાં જીવન જીવવા માટે સંકલ્પ પણ લેવામાં આવે છે. ત્યાર બાદ ભગવાન રામ અને સીતા માતા સાથે જ ભગવાન લક્ષ્મણ અને હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. અનેક જગ્યાએ ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે. ભગવાન રામની મૂર્તિને પારણાંમાં ઝુલવવામાં આવે છે. આ દિવસે રામચરિત માનસનો પાઠ કરવામાં આવે છે. માન્યતા છે કે, રામનોમના દિવસે ઉપવાસ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને પાપનો નાશ થાય છે.