ભારતની ટોચની શટલર પીવી સિંધુએ અહીં વિશ્વ ચેમ્પિયનશિપ જીત્યા પછી કહ્યું હતું કે છેલ્લી બે વિશ્વ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટાઇટલ ન જીતી શકવાને કારણે થઇ રહેલી ટીકાઓને કારણે હું નારાજ અને દુખી હતી, અને અહીં મેં જીતેલો ગોલ્ડ મેડલ મારા પર સવાલ ઉઠાવનારા એ તમામને મારો જવાબ છે.
જાપાનની નોઝોમી ઓકુહારા સામે ટાઇટલ જીત્યા પછી વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશનની સત્તાવાર વેબસાઇટે સિંધુને એવું કહેતા ટાંકી હતી કે આ મારો એ લોકોને જવાબ છે કે જેઓ વાંરવાર સવાલ પુછી રહ્યા હતા. હું માત્ર મારી રેકેટ વડે જવાબ આપવા માગતી હતી અને આ જીત સાથે હું એવું કરવામાં સફળ રહી.
તેણે કહ્યું હતું કે પહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી મને ઘણું ખરાબ લાગી રહ્યું હતું અને ગત વર્ષે હું નારાજ અને દુખી હતી. હું લાગણીમાંથી પસાર થઇ રહી હતી. મારી જાતને પુછી રહી હતી કે સિંધુ તું આ એક મેચ કેમ નથી જીતી શકતી. જો કે આજે મે મારી જાતને મારી સ્વાભાવિક રમત રમવા અને ચિંતા ન કરવાનું કહ્યું અને તે કામ કરી ગયું.