ગાંધીનગર – કોરોના સંક્રમણના સમયમાં એકતરફ અમદાવાદમાં તમામ ડોક્ટરોને ક્લિનિક શરૂ કરવાના આદેશ કરવામાં આવ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રીએ ડોક્ટરોને અપીલ કરી છે કે તેઓ સારવાર કરવા માટે આગળ આવે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધતાં રાજ્યમાં ડોક્ટરોની ખેંચ વર્તાઇ રહી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં તમામ ડોક્ટરોએ તેમના પ્રાઇવેટ ક્લિનિક ચાલુ કરવાનો સરકારે આદેશ કર્યો છે અને ચીમકી આપી છે કે જે ડોક્ટરો ક્લિનિક શરૂ નહીં કરે તેમનું મેડીકલ પ્રેક્ટિસનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવશે. રાજ્યમાં પહેલીવાર સરકારે આ પ્રકારનો આદેશ કર્યો છે. કોવિડ પેન્શન્ટની સારવાર કરવા માટે ડોક્ટરોની તંગી વર્તાઇ રહી હોવાની છાપ ઉભી થઇ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે રાજ્યના તબીબી જગતના બેસ્ટ બ્રેઇન અને બેસ્ટ ટેલેન્ટ આગળ આવે અને કોરોના દર્દીઓની સારવાર કરે. કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરિય બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ સિવિલના તબીબો પાસેથી કોવિડ દર્દીઓની સારવારની સઘળી વિગત મેળવી હતી. આ બેઠકમાં શહેરના અન્ય નિષ્ણાંત તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કોવિડ દર્દીના મૃત્યુ અને કેસ સંખ્યા વધી રહી છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યના તબીબી જગતના ‘બેસ્ટ બ્રેઈન’ અને ‘બેસ્ટ ટેલન્ટ’ આગળ આવે તે જરૂરી છે. આ પરામર્શ બેઠકમાં શહેરની ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ કોરોના સંક્રમણને નાથવા અને અને દર્દીઓની ઉત્કૃષ્ટ સારવાર માટે તેઓના વિચાર વ્યક્ત કર્યા હતા. દરમ્યાન અમદાવાદનો હવાલો સંભાળતા સિનિયર આઇએએસ અધિકારી રાજીવકુમાર ગુપ્તાએ કહ્યું હતું કે જે ડોક્ટરો તેમના ખાનગી ક્લિનિક નહીં ખોલે તેમને નોટીસ અપાશે અને તેમના લાયસન્સ રદ્દ કરાશે. કોરોના દર્દીઓની સારવાર માટે સરકાર આકરા પાણીએ છે.