પિતૃઓની સંતુષ્ટિ માટે પિતૃ પક્ષ સિવાય વર્ષના અન્ય દિવસોમાં પણ શ્રાદ્ધ કરી શકાય છે. આ અંગે મહાભારત અને નારદ પુરાણમાં ઉલ્લેખવામાં આવેલાં દિવસોની ગણતરી કરવામાં આવે તો 96 દિવસ એવા હોય છે જેમાં શ્રાદ્ધ કરી શકાય છે. આ પ્રકારે દર મહિનામાં 4 કે 5 દિવસ એવા આવે છે જેમાં પિતૃઓની સંતુષ્ટિ માટે તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવી શકાય છે. તેમાં દર મહિને આવતી અમાસ, સૂર્ય સંક્રાંતિ, વૈધૃતિ અને વ્યતિપાત યોગ છે. સાથે જ અન્ય પર્વ અને ખાસ તિથિઓમાં પિતૃ કર્મ કરી શકાય છે.
શ્રાદ્ધ માટે પુરાણો અને સ્મૃતિ ગ્રંથોમાં જણાવેલ 96 દિવસઃ-
- વર્ષની 12 અમાસ- દર મહિને આવતી અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે.
- 4 યુગાદિ તિથિઓ- કારતક મહિનાના સુદ પક્ષની નવમી તિથિ, વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિ, મહા મહિનાની અમાસ અને ભાદરવા મહિનાના વદ પક્ષની તેરસ તિથિએ શ્રાદ્ધ કરવાથી પિતૃ સંતુષ્ટ થાયછે.
- 14 મન્વાદિ તિથિઓ- ફાગળ, અષાઢ, કારતક, જેઠ અને ચૈત્ર મહિનાની પૂનમ. સાથે જ, શ્રાવણ મહિનાની અમાસના રોજ શ્રાદ્ધ કરી શકાય છે. કારતક મહિનાના સુદ પક્ષની બારસ તિથિ, આસો મહિનાના સુદ પક્ષની નોમ તિથિ, ચૈત્ર મહિનાના સુદ પક્ષની તીજ તિથિ, ભાદરવા મહિનાના સુદ પક્ષની તીજ તિથિ, પોષ મહિનાના સુદ પક્ષની અગિયારસ, અષાઢ મહિનાના સુદ પક્ષની દસમ તિથિ, મહા મહિનાના સુદ પક્ષની સાતમ તિથિ અને ભાદરવા મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે.
- 12 સંક્રાંતિ- દર મહિનાની 13 થી 17 તારીખની વચ્ચે સૂર્ય રાશિ બદલે છે. જે દિવસે સૂર્ય રાશિ બદલે છે તેને સંક્રાંતિ કહેવાંમાં આવે છે.
- 12 વૈધૃતિ યોગ- ગ્રહોની સ્થિતિથી દર મહિને વૈધૃતિ યોગ બને છે.
- 12 વ્યાતિપાત યોગ- ખાસ નક્ષત્ર અને વાર મળીને આ યોગ બનાવે છે. આ દિવસે પણ પિતૃઓ માટે શ્રાદ્ધ કરી શકાય છે.
- 15 મહાલય- દર વર્ષે આસો મહિનામાં આવતાં પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરી શકાય છે.
- આ સિવાય 5 અષ્ટકા, 5 અનવષ્ટિકા અને 5 પૂર્વેદ્યુ પર પણ પિતૃઓ માટે શ્રાદ્ધ કરી શકાય છે.