ગાંધીનગર- કોરોના વાયરસ અને લોકડાઉનના સમયમાં રાજ્યના કેટલાક પરિવારોને ગુજરાત સરકાર મફત અનાજ વિતરણ કરશે. રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અનાજ અને અન્ય ચીજવસ્તુઓ 60 લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોને આપવામાં આવશે.
રાજ્યના 60 લાખ એપીએલ-1 કાર્ડધારકો એટલે કે 2.50 થી 3 કરોડ લોકોને આ મહિને પરિવારદીઠ 10 કિલોગ્રામ ઘઉં, ત્રણ કિલો ચોખા, એક કિલો દાળ અને એક કિલો ખાંડ વિનામૂલ્યે આપવામાં આવશે. રાજ્ય સરકાર અત્યાર સુધી અંત્યોદય યોજના અને બીપીએલ કાર્ડધારકોને અનાજ અને અન્ય ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપતી હતી પરંતુ હવે એપીએલ-1 કાર્ડધારકો માટે વિનામૂલ્યે અનાજ અને અન્ય ચીજો આપવાનું શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય મંત્રીમંડળે આજે નિર્ણય કર્યો છે કે રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો APL-1ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ 60 લાખથી વધુ APL-1 કાર્ડધારકોને એપ્રિલ માસમાં પરિવાર દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉનની સ્થિતીને કારણે કામકાજ વ્યવસાયો બંધ થઇ જવાથી ગરીબ, કામદાર વર્ગો, શ્રમજીવીઓ અને મધ્યમવર્ગના પરિવારોને અનાજ મેળવવામાં કોઇ મુશ્કેલી ન પડે તેમજ આ પરિસ્થિતીમાં પણ પૂરતું અનાજ મળી રહે તેવી સંવેદનાથી રાજ્યમાં NFSA અંતર્ગત આવરી લેવાયેલા અંત્યોદય અને PHH એવા 66 લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે.
ગુજરાતે દેશભરમાં પહેલ કરીને એપ્રિલ માસના પ્રથમ ચાર દિવસમાં જ આવું અનાજ કોઇ પણ જાતની અવ્યવસ્થાઓ સર્જાયા વગર સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણ કરવાની સફળતા મેળવી છે. ત્યારબાદ મુખ્યમંત્રીએ 3.40 લાખ થી વધુ એવા ગરીબ પરિવારો-કાર્ડધારકો જેઓને અત્યાર સુધી દર મહિને માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા તેવા પરિવારોને પણ ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે અને વિતરણ થઇ રહ્યું છે.
એટલું જ નહિ, રાજ્યમાં અત્યંત ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંત-રાજ્યના શ્રમિકો જે રેશનકાર્ડ ધરાવતા નથી તેવા આશરે પાંચ લાખ જરૂરતમંદ વ્યકિતઓને પણ અન્નબ્રહ્મ યોજના અન્વયે પ્રવર્તમાન સ્થિતીમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. હવે, મધ્યમવર્ગના APL-1 કાર્ડધારકોને પણ એપ્રિલ માસમાં આવું અનાજ વિનામૂલ્યે પ્રવર્તમાન પરિસ્થિતીમાં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.