આ વર્ષે 25 માર્ચ, બુધવારથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. જેને વાસંતી નવરાત્રિ પણ કહેવામાં આવે છે. દેવી ભાગવત ગ્રંથ પ્રમાણે માતા દુર્ગાનું વાહન સિંહ છે, પરંતુ આ ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, દર વર્ષે નવરાત્રિમાં દેવી વિવિધ વાહન ઉપર સવાર થઇને ધરતી પર આવે છે. દેવીના વિવિધ વાહન પર સવાર થઇને આવવાથી દેશ અને જનતા પર તેની વિવિધ અસર થાય છે. સોમવાર અથવા રવિવારે ઘટ સ્થાપના થાય ત્યારે માતા દુર્ગા હાથી પર સવાર થઇને આવે છે. શનિવાર અથવા મંગળવારે નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા દુર્ગા ઘોડા ઉપર બેસીને આવે છે. ગુરૂવાર અથવા શુક્રવારે નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા દુર્ગા ડોલીમાં બેસીને આવે છે. બુધવારથી નવરાત્રિ શરૂ થાય ત્યારે માતા દુર્ગા હોડીમાં સવાર થઇને આવે છે.
માતા દુર્ગા જે વાહનથી પૃથ્વી પર આવે છે, તેના પ્રમાણે વર્ષભર થતી ઘટનાઓનું પણ આંકલન કરવામાં આવે છે. દેવી જ્યારે હાથી ઉપર સવાર થઇને આવે છે ત્યારે વરસાદ વધારે આવે છે. ઘોડા ઉપર સવાર થઇને આવે છે ત્યારે પાડોસી દેશો સાથે યુદ્ધની આશંકા વધી જાય છે. દેવી હોડીમાં બેસીને આવે છે ત્યારે બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે દેવી દુર્ગા ડોલીમાં સવાર થઇને આવે છે ત્યારે મહામારીનો ભય રહે છે. માતા દુર્ગા ધરતી ઉપર વાહન દ્વારા આવે છે અને વિદાય વખતે પણ વાહનમાં સવાર થઇને જાય છે. જે દિવસે નવરાત્રિનો છેલ્લો દિવસ હોય છે, તેના પ્રમાણે દેવીનું વાહન પણ નક્કી થાય છે. રવિવાર અથવા સોમવારના દિવસે દેવી ભેંસ ઉપર સવાર થઇને જાય છે. આ સ્થિતિમાં દેશમાં રોગ અને શોક વધે છે. શનિવાર અથવા મંગળવારે દેવી કુકડા ઉપર સવાર થઇને જાય છે, જેનાથી દુઃખ અને કષ્ટની વૃદ્ધિ થાય છે. બુધવાર અથવા શુક્રવારે દેવી હાથી ઉપર સવાર થઇને જાય છે, જેથી વરસાદ વધારે આવે છે. ગુરૂવારે માતા દુર્ગા મનુષ્ય ઉપર સવાર થઇને જાય તો સુખ અને શાંતિમાં વૃદ્ધિ થાય છે.