ગાંધીનગર — કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ગુજરાત સરકારે વેરા સમાધાન યોજનામાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે. હવે પહેલો કે બીજો હપ્તો જે કોઇ વેપારી ભરી શક્યા નથી તેઓ તેમનો હપ્તો 31મી જુલાઇ સુધીમાં ભરી શકે છે.
રાજ્યના નાણાં વિભાગે 6ઠ્ઠી ડિસેમ્બર 2019ના રોજ ગુજરાતના વેપારીઓ માટે આ યોજના શરૂ કરી હતી. વસુલાતના બાકી કિસ્સાઓમાં અગાઉ ભરાયેલ આંશિક ભરણું પુરેપુરૂ મજરે આપવા, અગાઉના બાકી મૂળ વેરો ભર્યેથી વ્યાજ અને દંડમાં માફી આપવા, વેરા સમાધાન યોજના હેઠળ ભરવાની થતી રકમ હપ્તેથી ભરવાની સગવડ આપવા, હપ્તાની રકમ ભરવામાં ચુક થયે વ્યાજ સાથે ભરવાની સુવિધા આપવા અને ‘સી‘ફોર્મ અંગે ચાલતી અપીલોમાં ખરાઇ ન થતાં ‘સી‘ફોર્મના ભરવાના હપ્તામાં 50 ટકા રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
સરકારને આ યોજના હેઠળ વેપારી વર્ગનો પ્રતિસાદ મળ્યો હતો અને અંદાજે 51000 વસૂલાતના કેસો માટે 37700 અરજીઓ પ્રાપ્ત થઇ હતી. કોવીડ-19ની મહામારીના કારણે સમગ્ર રાજયમાં 23 માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેના કારણે ઘણા વેપારીઓ પ્રથમ હપ્તો ભરી શકેલ નથી અને મોટા ભાગના વેપારીઓ એપ્રિલ અને મે માસમાં ભરવાના થતાં હપ્તા ભરી શક્યા નથી.
કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે હપ્તાની રકમ ભરી ન શકવાથી વેપારી વર્ગ સમાધાન યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સરકારે સમાધાન યોજના લંબાવી યોજના અંતર્ગત પ્રથમ હપ્તો ભરવાની મુદત 15મી માર્ચથી લંબાવી 31મી જુલાઇ નિયત કરી છે. આથી જે વેપારી વર્ગ પ્રથમ હપ્તો ભરી શકેલ નથી તેઓ 31મી જુલાઇ સુધીમાં પ્રથમ હપ્તો ભરી યોજનાનો લાભ ચાલુ રાખી શકે છે.
તેમજ જે વેપારીઓએ પ્રથમ હપ્તો ભર્યો છે પરંતુ બીજો હપ્તો ભરી શક્યા નથી તેઓ પણ બીજો હપ્તો 31મી જુલાઇ સુધીમાં ભરી શકે છે, એ ઉપરાંત ઓગસ્ટ અને ત્યાર પછીના મહિનાઓમાં તેમને હપ્તા ભરવાના થાય છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.