ગાંધીનગર – અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી લોકડાઉનના કારણે સ્વચ્છ બની ગઇ હોવાનો દાવો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)એ કર્યો છે. બોર્ડે કહ્યું છે કે ઔદ્યોગિક પ્રદૂષણ ઓછું થતાં અને સ્વચ્છ હવાના કારણે સાબરમતી નદી સ્વચ્છ બની છે. કોરોના સંક્રમણ વચ્ચે લોકડાઉનના કારણે આ શક્ય બન્યું હોવાનો ખુલાસો પણ બોર્ડે કર્યો છે.
ભારતની પોલ્યુટેડ નદીઓની યાદીમાં ટોચક્રમે આવતી સાબરમતી નદીમાં એક સમયે એટલું પોલ્યુશન વધી ગયું હતું કે સીબીસીબી અને ભારતની અન્ય સંસ્થાઓએ આ નદીને ડેન્જર ઝોનમાં મૂકી હતી. ઔદ્યોગિક પાણીના કારણે સાબરમતી એટલી હદ સુધી પ્રદૂષિત હતી કે નજીકમાં બોરવેલ કરવામાં આવતા ગંદુ અને અશુદ્ધ પાણી જોવા મળતું હતું. આ નદીની આસપાસના ખેતરોમાં પાક લઇ શકાતા ન હતા.
ગુજરાતની નદીઓમાં પ્રદૂષકોનો પ્રવાહ ઓછો થયો હોવાનો રિપોર્ટ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે બનાવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદથી પસાર થતી નદી સાબરમતીની પાણીની ગુણવત્તામાં ખાસ સુધારો થયો છે. નદીની આસપાસના આઠ જુદા જુદા સ્થળો, જે અગાઉ પ્રદૂષિત હતા તે હવે પાણીની ગુણવત્તા સુધરતાં સ્વચ્છ થયાં છે. અમદાવાદમાંથી પસાર થતી સાબરમતીને શુદ્ધ કરીને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 11 કિલોમીટરમાં રિવરફ્રન્ટ બનાવ્યો હતો.
વૌઠાના વિસ્તારમાં પાણીના ઓક્સિઝનની માત્રામાં વધારો થયો છે. આ પાણીમાં કેમિકલની અત્યારે નહીંવત અસર છે. બીઓડી અને સીઓડીમાં ઝડપી સુધારો થયો છે. વૌઠા પછી સાબરમતી નદીના પાણી ખંભાતના અખાતમાં ભળી જાય છે. બોર્ડનો રિપોર્ટ કહે છે કે સાબરમતીમાં પ્રદૂષણનું મુખ્ય કારણ 20 જેટલી ઔદ્યોગિક વસાહતો છે જે પૈકી નરોડા, ઓઢવ અને વટવા જીઆઇડીસી મુખ્ય છે.
લોકડાઉન દરમ્યાન જીપીસીબીએ રાજ્યની નદીઓ અને જળાશયોના પાણીના નમૂના એકત્ર કર્યા હતા. સાબરમતીની જેમ વડોદરાની વૈશ્વામિત્રી નદી પણ શુદ્ધ થઇ છે. બોર્ડે 50 જગ્યાએથી નમૂના લીધા હતા જેમાં ટીડીએસ, એનએચ 3-એન, રાસાયણિક ઓક્સિજન, જૈવિક ઓક્સિઝન અને ડિસોલ્યુડ ઓક્સિઝનની માપણી કરવામાં આવી હતી જેમાં બહુ મોટો સુધારો હતો.
અમદાવાદની ખારી નદીનું પ્રદૂષણ પણ સુધર્યું છે. એ સાથે વડોદરા તેમજ દક્ષિણ ગુજરાતની નદીઓના પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે. બોર્ડે સાબરમતી, વૈશ્વામિત્રી, ખારી, નર્મદા, તાપી, મહી, કિમ, કાવેરી અને પાર નદીના પાણીના નમૂના લીધા હતા જે સ્વચ્છ જણાયા છે.