15 વર્ષિય સગીરાની શારિરીક છેડછાડ અને બળાત્કારનો આરોપી અને ગઇકાલથી ભાગતો ફરતો સ્વિમીંગ કોય સુરજીત ગાંગુલીને શુક્રવારે દિલ્હીમાંથી ઝડપી લેવાયો હોવાનું અહીં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. સુપરીન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ઉત્ક્રિષ્ટ પ્રસૂને જણાવ્યું હતું કે ગાંગુલીને નવી દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાંથી પકડી લેવાયો છે.
ગુરૂવારે ગોવા પોલીસે ગોવાના સ્વિમીંગ એસોસિએશનના સ્વિમીંગ કોચ આરોપી સુરજીત ગાંગુલી સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો અને તે પછી તેની કોઇ ભાળ મળતી નહોતી. પ્રસૂને જણાવ્યું હતું કે સગીરાના પિતા પહેલા પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રિશ્રા પોલીસ મથકે જઇને કોચ સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરા અને કોચ બંને પશ્ચિમ બંગાળના છે. ફરિયાદમાં જણાવાયું હતું કે આ ઘટના ગોવાના માપુસા ખાતે બની હતી.
ગાંગુલીની ભાળ મેળવવા માટે ટેક્નીકલ સર્વેલન્સ અને સ્થાનિક ગુપ્તચરોનો ઉપયોગ કરાયો હોવાનું પ્રસૂને જણાવ્યું હતું. એવું જણાયું હતું કે પોતાની ધરપકડ ટાળવા માટે આરોપી અલગ અલગ શહેરોમા ફરતો રહ્યો હતો. શુક્રવારે જ સ્વિમીંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગાંગુલીને રમત સંબંધિત તમામ પ્રક્રિયા માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે.