ગાંધીનગર – કોવિડની સારવાર કરતી અમદાવાદની એસવીપી હોસ્પિટલની કંપનીએ મેડીકલ સ્ટાફના પગાર ઘટાડાનો નિર્ણય કરતાં ચોંકી ઉઠેલી રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કરતાં હવે અમદાવાદમાં કોવિડની તમામ હોસ્પિટલોના વહીવટી તંત્રને કોર્પોરેશનને તેને હસ્તક લઇ લીધું છે અને કોર્પોરેશનની પરવાનગી વિના એજન્સીના સ્ટાફ કે મેડીકલ સ્ટાફના પગારમાં કોઇ ફેરફાર કરી શકાશે નહીં, એટલું જ નહીં કોર્પોરેશન કહે તેમ પગાર વધારો પણ આપવાનો રહેશે.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ કોવિડ હોસ્પિટલોને મેનપાવર પુરો પાડનારી એજન્સીઓના મેનેજમેન્ટ અને સુપરવાઇઝરો સાથે તમામ સ્ટાફને એપીડેમીક એક્ટની કલમો હેઠળ હસ્તગત કરી ડેઝિગ્નેટેડ કોવિડ એમ્પોયીઝ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
હવેથી તમામ સ્ટાફ કોર્પોરેશનની દેખરેખ પ્રમાણે હયાત જગ્યા પર કામગીરી કરશે. તેમની કામગીરીની શરતોમાં કોર્પોરેશનની પરવાનગી વિના કોઇપણ પ્રકારનો ફેરફાર થઇ શકશે નહીં. આ તમામ એજન્સીઓનો સ્ટાફ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના સત્તાવાળાઓની સીધી દેખરેખ નીચે કામ કરશે.
જો કોઇપણ વ્યક્તિ કે એજન્સી આદેશનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે એકેડેમીક એક્ટની જોગવાઇ પ્રમાણે આઇપીસી કલમ 188 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. ડેજીગ્નેટેડ કોવિડ એમ્પોઇઝને કોર્પોરેશનના અન્ય એમ્પલિઝ પ્રમાણે કોવિડ હેઠળ મળતા લાભ મળવાપાત્ર થશે.