ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે પોતાના જુસ્સા અને ઝઝુમવાનું કૌશલ્ય બતાવીને ગ્રાન્ડસ્લેમમાં પોતાના પદાર્પણની સ્વપ્નીલ શરૂઆત કરી દિગ્ગજ રોજર ફેડરર સામે પહેલો સેટ જીત્યો હતો, જો કે અંતે એ મેચમાં તે હારીને યુએસ ઓપનના રહેલા રાઉન્ડની મેચમાંથી જ બહાર થયો હતો. જો કે ફેડરર ભલે મેચ જીત્યો હોય, પણ આ મેચ વડે નાગલે ટેનિસ પ્રશંસકોનું દિલ જીત્યું હતું.
ભારતના ટેનિસ સર્કિટમાં ચર્ચા જગાવનારી આ મેચમાં ઝજ્જરના 22 વર્ષિય સુમિત નાગલે સોમવારની રાત્રે દિગ્ગજ ફેડરર સહિતના તમામને પોતાની પ્રતિભાની એક ઝલક બતાવ્યા પછી અહીંના આર્થર એશ સ્ટેડિયમ પર રમાયેલી એ મેચ 4-6, 6-1, 6-2, 6-4થી તે હાર્યો હતો. આ મેચમા ફેડરર માટે શરૂઆત સારી રહી નહોતી પણ નાગલ માટે તો એ જોરદાર શરૂઆત રહી હતી. પહેલો સેટ ગુમાવ્યા પછી ફેડરરે પોતાની રમત અને સર્વિસ સુધારવી પડી હતી અને તે પછી તેણ સર્વ અને નેટની ગેમ રમીને આ મેચ જીતી હતી.
ક્વોલિફાઇંગ દ્વારા યુએસ ઓપનના મુખ્ય ડ્રોમાં પોતાનું સ્થાન પાકું કરનારા સુમિત નાગલને પહેલા રાઉન્ડની મેચ રમવા બદલ માત્ર 58,000 ડોલરની રકમ મળશે, પણ આ મેચ દ્વારા તેણે જે અુભવ મેળવ્યો છે જે અમુલ્ય છે અને તે તેના ભાવિ માટે ઘણો ઉપયોગી થઇ પડશે.
નાગલે પહેલો સેટ 6-4થી જીત્યો ત્યારે હાજર દર્શકોમાં સન્નાટો વ્યાપ્યો
યુએસ ઓપનની પોતાની પહેલા રાઉન્ડની મેચમાં જ દિગ્ગજ રોજર ફેડરર સામે રમવાનું આવ્યું હોવા છતાં સુમિત નાગલે જે રમત બતાવી તે પ્રશંસાને પાત્ર છે. તેણે જ્યારે પહેલો સેટ જીત્યો ત્યારે ઉપસ્થિત દર્શકોમાં સન્નાટો વ્યાપી ગયો હતો. નાગલે ત્રીજી ગેમમાં ફેડરરના ડબલ ફોલ્ટનો ફાયદો ઉઠાવીને બ્રેક પોઇન્ટ લીધો હતો.