ગાંધીનગર– વિદેશથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ તથા યાત્રીઓને 14 દિવસ માટે ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાગત) ક્વોરન્ટીનમાં રહેવું જરૂરી છે. જો કે, આ માટે તેઓ બે વિકલ્પ પસંદ કરી શકે છે : નિઃશુલ્ક (Free) અથવા પેઈડ(Paid). આ બન્ને વિકલ્પ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.
ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાગત) ક્વોરન્ટીન માટે સરકાર આ યાત્રિકો કે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક વ્યવસ્થા તો રાજ્યના 31 જિલ્લાઓમાં કરશે, એ ઉપરાંત જે લોકો પોતાના ખર્ચે કોઈ હોટેલ અથવા અન્ય સ્થળે ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન થવા માંગતા હોય તો તે અંગેનો વિકલ્પ પણ સરકારે ખુલ્લો મુક્યો છે.
તમામ જિલ્લાઓને આ અંગેની વ્યવસ્થા કરવા માટે પણ સૂચિત કરી દેવામાં આવ્યા છે. આ માટે યાત્રિકો અને વિદ્યાર્થીઓ તેમને અનુકૂળ જિલ્લો પસંદ કરી શકે છે અને આ અંગે એરપોર્ટ ઉપર એરાઇવલ ઉતર્યા બાદ તુરત જ તેમના પસંદગીના જિલ્લા મથકની નોંધ કરાવી શકે છે. વિદેશથી પરત આવી રહેલા આ યાત્રિકો અને વિદ્યાર્થીઓને તેમના સંબંધિત જિલ્લાઓમાં પહોંચાડવાની બસની વ્યસ્વ્સ્થા નિઃશુલ્ક રૂપે સરકાર મારફત કરવામાં આવશે.