શ્રાવણ માસ એટલે શિવજીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય આ મહિનામાં શિવજીની આરાધના કરવાથી સામ્બસદાશિવની અપાર કૃપા વરસતી હોય છે. આમ તો શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને સમર્પિત થાય છે. પરંતુ શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે શિવજીની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણના સોમવારનો મહિમા અપરંપાર છે. સોમવારનું વ્રત સૂર્યોદયથી પ્રારંભ થઇને સાંજ સુધી કરવામાં આવે છે. શ્રાવણ માસમાં દરેક સોમવારે વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વ્રત દરમિયાન ફલાહાર કરવામાં આવે છે. અને શિવજી ની રુદ્રાભિષેક પુજન કરવામાં આવે છે.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગના પૂજનનું ખુબ જ મહત્વ છે. પાર્થિવ શિવલિંગ નું પૂજન દરેક સોમવારે અને પ્રદોષ નાં દિવસે કરવાથી શિવજી અત્યંત પ્રસન્ન થાય છે. જો પાર્થિવ શિવલિંગ ન હોય તો શિવ પરિવાર ની મૂર્તિ ને પંચામૃત માં સ્નાન કરાવી ને ગંધ, પુષ્ય, બિલીપત્ર, અક્ષત, ચંદન, વસ્ત્ર વગેરે અર્પણ કરો. શિવજી ને સફેદ વસ્તુઓ જેવી કે સફેદ પુષ્પ, સફેદ વસ્ત્ર, સફેદ રંગના પકવાન વિશેષ રૂપે ચઢાવવાથી જીવનમાં આવેલા સંકટો નો નાશ થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. શિવજી ની સાથે માતા પાર્વતી અને ગણેશજી નાં પૂજન નું પણ મહત્વ છે. શ્રી ગણેશ ને દુર્વા, સિંદુર, ગોળ અને પીળા વસ્ત્રો ચઢાવો અને મોદક લાડુ નો ભોગ લગાવો શ્રાવણ ના સોમવાર નું વ્રત પતિ અને પત્ની બંને કરી શકે છે.