હિંદુ પરંપરા મુજબ દર વર્ષે અખાત્રીજ બાદ ઉત્તરાખંડના ચારધામની યાત્રા શરૂ થાય છે જે યમુનોત્રીથી શરૂ થઇને ગંગોત્રી પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ ધામમાં પૂર્ણ થાય છે. આ ચાર જગ્યાને પવિત્ર ધામ માનવામાં આવે છે. આ ચારેય ધામનું ધાર્મિક મહત્ત્વ પણ છે. જોકે કોરોના મહામારીને લઈને ચાલી રહેલા લોકડાઉન વચ્ચે આ વર્ષ ખૂબ જ સાદગી સાથે ચારધામ યાત્રાની શરુઆત કરવામાં આવી છે અને ચારેય ધામના કપાટ ખોલવામાં આવ્યા છે.
તેમાં બદ્રીનાથ ધામના કપાટ ગત શુક્રવારના રોજ સાદગીથી શુભમુર્હુતમાં વિધિવિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સવારે 4.30 વાગે ખોલવામાં આવ્યા હતા.
જોકે આ દરવાજા ખોલવામાં આવતા જ પૂજારીઓએ જે જોયું તે કોઈ ચમત્કારથી ઓછું નહોતું. આ ચમત્કારીક ઘટનાને બદ્રીનાથના પુરોહિત દેશ માટે શુભ સંકેત માની રહ્યા છે. હકીકતમાં બદ્રીનાથ ધામના દરવાજા શિયાળો આવતા બંધ થવાના દિવસે ભગવાન બદરીનાથની પ્રતિમાને ઘૃત ધાબળો ઓઢાડવામાં આવે છે. આ ઘૃત ધાબળો એટલે ઘી નો લેપ કરી તેના પર ઉનનો ધાબળો ઢાંકી દેવામાં આવે છે. બદરીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનીયાલે જણાવ્યું કે, જે બાદ આવતા વર્ષે ધામના દરવાજા ખોલવામાં આવતા જો બદ્રીનાથની પ્રતિમા પર ઘી જેમનું તેમ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ વખતે દ્વાર ખોલ્યા ત્યારે જોવા મળ્યું કે ભગવાનની પ્રતિમા પર લગાડવામાં આવેલું ઘી જેમનું તેમ જ હતું, જે દેશના ઉન્નત ભવિષ્યનું સૂચક છે. તેમણે જણાવ્યું કે આવું દર વખતે નથી થતું. ઘણા વર્ષોમાં એકાદવાર આવું બને છે. આટલી ઠંડી હોવા છતાં પણ જો ઘી સુકાતું નથી તો આ કોઈ ચમત્કારથી ઓછું નથી. આ વખતે લોકડાઉનના કારણે ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં જ બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ સમયે મંદિર પરિસરમાં પૂજારીઓ સહિત ફક્ત 28 વ્યક્તિઓ જ હાજર હતા. અહીં કપાટ ખુલતા પહેલા વિધિ મુજબ સવા ત્રણ વાગે બદરીનાથ ધામના દક્ષિણ દ્વારથી ભગવાન કુબેરની ઉત્સવ ડોલી અને તેલ કળશ યાત્રાએ પરિક્રમા સ્થળમાં પ્રવેશ કર્યો. એ પછી કુબેરજીની પ્રતિમાને બદરી પંચાયત (ગર્ભગૃહ) માં સ્થાપિત કરવામાં આવી.