આજે સ્વદેશ પરત ફરેલી વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુએ મીડિયા કર્મીઓ સાથે એરપોર્ટ પર જ થોડી વાતચીત કરી હતી. આ દરમિયાન સિંધુને પુછાયું કે બાસેલમાં જ્યારે રાષ્ટ્રગીત વાગ્યું ત્યારે તારી આંખમાં અશ્રુ આવ્યા હતા, તો તેણે જવાબ આપ્યો હતો કે હું ખરેખર ખુબ જ લાગણીશીલ બની ગઇ હતી અને રડી પડી હતી કારણકે મારા મનમાં લાગણીનો મહાસાગર જાણે કે ઉછાળા મારી રહ્યો હતો. મારા માટે એ ઘણી મોટી પળ હતી. પોડિયમ પર મને કેવી લાગણીઓ થઇ રહી હતી તે હું વર્ણવી શકું તેમ નથી.
પીવી સિંધુ જ્યારે સ્વદેશ પરત ફરી ત્યારે એરપોર્ટ પર જ તેને મીડિયા જગતના લોકોએ ઘેરી લીધી હતી અને તેના પર સવાલનો જાણે કે વરસાદ કરી દીધો હતો. સિંધુને જ્યારે એવું પુછાયું કે ઓલિમ્પિક્સ આડે હવે એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહી ગયો છે ત્યારે તેના માટે તારી યોજનાઓ શું છે, તો સિંધુએ જવાબ આપ્યો હતો કે હું આકરી મહેનત કરીશ અને જેમ બને તેમ વધુને વધુ મેડલ જીતવાનો પ્રયાસ કરીશ.