વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન બનીને સ્વદેશ પરત ફરેલી દેશની ટોચની શટલર પીવી સિંધુએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મોદીએ સિંધુને ભારતનું ગૌરવ ગણાવી હતી. સિંધુ સાથેની આ મુલાકાત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કર્યું હતું કે દેશનું ગૌરવ, એક ચેમ્પિયન કે જે ગોલ્ડ મેડલ તેમજ ઘણી બધી સિદ્ધિ સ્વદેશ લઇને આવી છે તે પીવી સિંધુને મળીને ખુશી થઇ. તેને અભિનંદન આપવાની સાથે ભવિષ્યની સ્પર્ધાઓ માટે શુભકામના. સિંધુની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત દરમિયાન રમત મંત્રી કિરણ રિજિજૂ તેમજ નેશનલ કોચ પુલેલા ગોપીચંદ પણ હાજર રહ્યા હતા.
રમત મંત્રી કિરણ રિજિજૂ સાથેની મુલાકાત દરમિયાન મંત્રીએ સિંધુને 10 લાખનો ચેક સોંપ્યો
પોતાની દિલ્હીની મુલાકાત દરમિયાન પીવી સિંધુ રમત મંત્રી કિરણ રિજિજૂને મળી ત્યારે તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક જીત મેળવવા માટે તેને રૂ. 10 લાખનો ચેક સોંપ્યો હતો. રિજિજૂ સાથેની મુલાકાત દરમિયાન સિંધુની સાથે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ હેમંત બિસ્વસરમા, કોચ પુલેલા ગોપીચંદ અને કિમ જી હ્યુન અને સિંધુના પિતા પીવી રમન્ના પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ દરમિયાન રમત મંત્રીએ સાઇ પ્રણીતને પણ અભિનંદન આપીને તેને ચાર લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.