સ્વિટ્ઝરલેન્ડના બાસેલમાં ચાલી રહેલી બીડબલ્યુએફ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2019માં ભારતના ટોચના શટલર પીવી સિંધુ, સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતે પોતપોતાની સિંગલ્સ મેચ જીતીને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. આ ત્રણેય ખેલાડીને પહેલા રાઉન્ડમાં બાય મળી હતી અને તેમણે પોતાની બીજા રાઉન્ડની મેચ જીતીને આગેકૂચ કરી છે. આ તરફ ટૂર્નામેન્ટમાં જોરદાર શરૂઆત કરનાર એચએસ પ્રણોય વિશ્વના નંબર વન જાપાનીઝ ખેલાડી કેન્ટો મોમોતા સામે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં હારીને આઉટ થઇ ગયો છે.
ટૂર્નામેન્ટમાં પાંચમી ક્રમાંકિત સિંધુએ બીજા રાઉન્ડની મેચમાં ચાઇનીઝ તાઇપેઇની પાઇ યૂ પોને માત્ર 42 મિનીટમાં 21-14, 21-15થી હરાવી હતી. ત્રીજા રાઉન્ડમાં સિંધુ નવમી ક્રમાંકિત અમેરિકન બીવન ઝાંગ સામે રમશે. આ તરફ સાઇનાએ પોતાની બીજા રાઉન્ડની મેચમાં નેધરલેન્ડની સોરાયા ડે વિકને માત્ર 33 મિનીટમાં 21-10, 21-11થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું, હવે તે ડેન્માર્કની મિયા બ્લિકફેલ્ટ સામે રમશે.
પુરૂષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે ઇઝરાયલના મિશા જિલબેરમેનને 13-21, 21-13, 21-16થી હરાવ્યો હતો. હવે તે થાઇલેન્ડના કાન્ટાફોન વાંગચારોએન સામે રમશે. એચએસ પ્રણોયનો પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના ટોપ સિડેડ મોમોતા સામે 21-19, 21-12થી પરાજય થયો હતો. પ્રણોયે આ મેચમાં મોમોતાને જોરદાર ટક્કર આપી હતી, પણ તે મેચ જીતી શક્યો નહોતો.