ભારતની યશસ્વીની દેસવાલે વિશ્વની નંબર વન શૂટર અને માજી ઓલિમ્પિક્સ તેમજ વર્લ્ડ ચેમ્પિયન ઓલેલેના કોસ્તેવિચને પછાડીને આઇએસએસએફ વર્લ્ડકપમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. માજી જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન 22 વર્ષની યશસ્વીનીએ 8 મહિલાઓ વચ્ચેની ફાઇનલમાં 236.7 પોઇન્ટના સ્કોર સાથે ગોલ્ડ પર નિશાન સાધ્યુ હતું.
આ ગોલ્ડની સાથે જ યશસ્વીનીએ ટોક્યો ઓલિમ્પિક્સ માટે ભારત વતી 9મો ક્વોટા જીત્યો હતો. વિશ્વની નંબર વન ઓલેના કોસ્તેવિચ 234.8 પોઇન્ટ સાથે સિલ્વર જ્યારે સર્બિયાની જેસમિના મિલાવોનોવિચે 215.7 પોઇન્ટના સ્કોરની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અર્થશાસ્ત્રની વિદ્યાર્થીની યશસ્વીનું પ્રભુત્વ એવું રહ્યું હતું કે તે ફાઇનલમાં ઓલેનાથી 1.9 પોઇન્ટ આગળ રહી હતી. ક્વોલિફિકેશનમાં પણ તે 582 પોઇન્ટ સાથે ટોચન ક્રમે રહી હતી.
યશસ્વીએ આ પ્રભાવશાળી પ્રદર્શનને કારણે 2020 ટોક્યો ઓલિમ્પિક્સ માટે ભારત તરફથી ક્વોટા મેળવનારા સંજીવ રાજપૂત, અંજુમ મોદગિલ, અપૂર્વી ચંદેલા, સૌરભ ચૌધરી, અભિષેક વર્મા, દિવ્યાંશ સિંહ પંવાર, રાહી સરનોબત અને મનુ ભાકરની સાથે પોતાનું નામ સામેલ કરાવી દીધું હતું. તેણે જીતેલો ગોલ્ડ આ વર્લ્ડકપમાં ભારતનો ત્રીજો ગોલ્ડ રહ્યો હતો. તેના પહેલા અભિષેક વર્મા અને ઇલાવેનિલ વલારિવાન ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે.