ગુજરાતની શૂટર ઇલાવેનિલ વલારિવાને અહીં સીનિયર વલ્ડ કપની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં તમામને પછાડીને પહેલો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો અને આ સિદ્ધિ મેળવનારી તે દેશની ત્રીજી શૂટર બની હતી. તેના પહેલા અંજલી ભાગવત અને અપૂર્વી ચંદેલા આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. જો કે તેના આ પ્રદર્શન છતાં ભારત માટેના ઓલિમ્પિક્સ ક્વોટામાં કોઇ ફેરબદલ થઇ નહોતી કારણકે અંજુમ મોદગિલ અને અપૂર્વી ચંદેલા પહેલાથી જ દેશ માટેના બે સ્થાન પોતાના નામે કરી લીધા છે.
આ વર્લ્ડ કપમાં જોકે દેશની પહેલા અને બીજા નંબરની શૂટર એવી અપૂર્વી અને અંજૂમ રાઇફલ કે પિસ્તોલ સ્પર્ધામાં એકપણ મેડલ જીતી શકી નહોતી. અંજુમ ફાઇનલમાં 166.6 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને રહી હતી, જ્યારે અપૂર્વી તો ક્વોલિફાઇ જ કરી શકી નહોતી. સીનિયર લેવલે પોતાના પદાર્પણ વર્ષમાં ઇલાવેનિલે બુધવારે ફાઇનલમાં 251.7 પોઇન્ટનો સ્કોર કર્યો હતો. બ્રિટનની સિયોનાદ મેકિન્તોશ 250.6 પોઇન્ટ સાથે સિલ્વર તો ચાઇનીઝ તાઇપેઇની યિંગ શિન લિને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
વિશ્વકપમાં ગોલ્ડ જીતવાથી આત્મવિશ્વાસ વધશે : ઇલાવેનિલ
ભારતીય શૂટર ઇલાવેનિલ વલારિવાને ગુરૂવારે અહીં એવું કહ્યું હતું કે સીનિયર વર્લ્ડકપમાં મારા પહેલા મેડલથી મારો આત્મવિશ્વાસ વધશે અને હું ભવિષ્યમાં વધુ સફળતા મેળવવાનો પ્રયાસ કરીશ. ઝડપથી ઉભરી રહેલી ઇલાવેનિલે અહીં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં દેશની નંબર વન અપૂર્વી ચંદેલા અને નંબર ટુ અંજુમ મોદગીલ જેવી અનુભવી શૂટરને પછાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.