ઇજાની આશંકામાંથી બહાર આવીને અમેરિકન ધુંરધર મહિલા ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે પોતાના વિક્રમી 24માં ગ્રાન્ડસ્લેમ ભણી વધુ એક ડગલું ભરીને યુએસ ઓપનની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. જયારે ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન એશ્લે બાર્ટી અને કેરોલિના પ્લિસકોવા પોતપોતાની મેચમાં હારીને આઉટ થઇ ગયા હતા.
6 વારની ચેમ્પિયન સેરેનાએ ક્રોએશિયાની 22મી ક્રમાંકિત પેટ્રા માર્ટિચને 6-3, 6-4થી હરાવીને ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો છે. હવે તેનો સામનો ચીનની વાંગ કિયાંગ સાથે થવાનો છે. વાંગ કિયાંગે વિશ્વની બીજી ક્રમાંકિત બાર્ટીને 6-2, 6-4થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પોતાની મેચ દરમિયાન સેરેનાએ ઘુંટીમાં ઇજા થતા બીજા સેટમાં મેડિકલ ટાઇમઆઉટ લેવો પડ્યો હતો.
2017માં છેલ્લે ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી સેરેનાએ 2014 પછી યુએસ ઓપન ટાઇટલ જીત્યું નથી.
આ તરફ યોહાના કોન્ટાએ મે મહિનામાં રોમ ફાઇનલમાં પ્લિસકોવા સામે મળેલા પરાજયનો બદલો વાળીને તેને અહીં 6-7, 6-3, 7-5થી હરાવી હતી. યુક્રેનની પાંચમી ક્રમાંકિત એલિના સ્વિતોલિનાએ અમેરિકાની મેડિસન કિઝને 7-5, 6-4થી હરાવીને અંતિમ 8મા પોતાનું સ્થાન પાકું કરી લીધું છે.
વાંગ કિયાંગ પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી
ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન અને વિશ્વની બીજી ક્રમાંકિત એશ્લે બાર્ટીને હરાવીને ચીનની વાંગ કિયાંગ પહેલીવાર કોઇ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. આ મેચમાં પહેલા એવું લાગ્યું હતું કે બાર્ટી કિયાંગને સરળતાથી હરાવશે, જો કે છેલ્લી બે મેચમાં બાર્ટી સામે એકપણ સેટ ન જીતી શકેલી કિયાંગે મેચમાં જોરદાર વાપસી કરીને સીધા સેટમાં વિજય મેળવ્યો હતો.