યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં અમેરિકાની સેરેના વિલિયમ્સ અને એશ્લે બાર્ટી સહિતની મુખ્ય ખેલાડીઓ મહિલા સિંગલ્સમાં પોતાની મેચ જીતને આગળ વધી હતી, જો કે સેરેનાની બહેર વિનસ વિલિયમ્સ બીજા રાઉન્ડમાં જ હારીને સ્પર્ધા બહાર ફેંકાઇ ગઇ હતી. તો ડિફેન્ડીંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ, સ્વિસસ્ટાર રોજર ફેડરર સહિત મોટાભાગના ક્રમાંકિત ખેલાડીઓએ યુએસ ઓપનની પુરૂષ સિંગલ્સમાં પોતાની બીજા રાઉન્ડની મેચ જીતી લીધી હતી.
મહિલા સિંગલ્સમાં 8મી ક્રમાંકિત સેરેના વિલિયમ્સે પોતાની બીજા રાઉન્ડની મેચમાં કેથરીન મેકેનલી સામે પહેલો સેટ ગુમાવ્યા પછી મેચમાં પાછા ફરીને વિજય મેળવ્યો હતો. સેરેનાએ મેકેનલીને 5-7, 6-3, 6-1થી હરાવી હતી. બીજી ક્રમાંકિત એશ્લે બાર્ટીએ બીજા રાઉન્ડની મેચ સરળતાથી જીતી લઇને લોરેન ડેવિસને 6-2, 7-6થી હરાવી હતી. આ ઉપરાંત ત્રીજી ક્રમાંકિત કેરોલિના પ્લીસકોવા અને 7મી ક્રમાંકિત મેડિસન કિઝે પણ પોતાની મેચ જીતી લઇ આગેકૂચ કરી હતી. પાંચમી ક્રમાંકિત યુક્રેનની એલિના સ્વીતોલિનાએ વિનસને 6-4, 6-4થી હરાવી હતી.
પુરૂષ સિંગલ્સમાં જોકોવિચે જુઆન ઇગ્નેસિયો લોન્ડેરોને 6-4, 7-6, 6-1થી હરાવ્યો હતો. રોજર ફેડરર સતત બીજી મેચમાં પહેલો સેટ હાર્યા પછી વાપસી કરીને મેચ જીત્યો હતો. તેણે બોસ્નિયાના દામિર જૂરહૂર સામે 3-6, 6-2, 6-3, 6-4થી જીત મેળવી હતી. આ ઉપરાંત કેઇ નિશિકોરી અને ગ્રિગોર દિમિત્રોવ પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે.