ગાંધીનગર – ગુજરાતમાં જૂન મહિનામાં સ્કૂલો નહીં ખૂલે, કારણ કે કોરોના સંક્રમણના વધતા જતા કેસોના કારણે બાળકોને સંક્રમણ થવાની સંભાવના હોવાથી સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું વિચારી રહી છે. બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે તેવી પણ શક્યતા છે.
રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જૂન અને જુલાઇ મહિનામાં કોરોના સંક્રમણ વધવાની સંભાવના હોવાથી સ્કૂલો અને એજ્યુકેશનલ સંસ્થાઓમાં અભ્યાસ શરૂ થઇ શકે તેમ નથી, કારણ કે સ્કૂલોમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ હોય છે અને બાળકોને સંક્રમણ લાગવાનો મોટો ભય છે.
સ્કૂલોમાં લઇ જતા વાહનોમાં બાળકો ભીડમાં બેસતા હોય છે. સ્કૂલોમાં પણ વર્ગખંડોમાં બાળકો છૂટા બેસી શકે તેવી વ્યવસ્થા નથી તેથી બાળકોને ઓનલાઇન શિક્ષણ કેવી રીતે આપવું તેનો પરામર્શ ચાલી રહ્યો છે. સરકારી સ્કૂલો ઉપરાંત ખાનગી સ્કૂલોમાં પણ સંચાલકો દ્વારા વિચારણા ચાલી રહી છે.ગુજરાતમાં જૂન મહિનામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હતું પરંતુ હવે તે અશક્ય જણાઇ રહ્યું છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ ખાનગી સ્કૂલોના સંચાલકો સાથે પરામર્શ કરે તેમ મનાઇ રહ્યું છે.