ગાંધીનગર – ગુજરાતમાં આ વર્ષે મીઠાના ઉત્પાદનમાં 15 થી 20 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. આ ઘટાડો થવાના મુખ્ય કારણોમાં લોકડાઉન, કોરોના સંક્રમણ અને ચોમાસુ લાંબુ ચાલે તેવી સંભાવના છે. આ સંજોગોમાં મીઠા ઉદ્યોગના એસોસિયેશને રાજ્ય સરકાર પાસે વીજ બીલોમાં 75 ટકા સુધીની રાહતની માગણી કરી છે.
ઓલ ઇન્ડિયા સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન જણાવે છે કે દેશમાં ચાલુ વર્ષે 360 લાખ ટન મીઠાનું ઉત્પાદન થવાની સંભાવના છે, જે અગાઉના વર્ષ કરતાં 15 ટકા ઓછું રહેશે. મીઠા ઉદ્યોગને પ્રથમ સમસ્યા એવી નડી કે વર્ષની શરૂઆતમાં ચોમાસું લાંબુ ચાલ્યું છે. આ ઉદ્યોગ માટે મહત્તમ ઉત્પાદન મેળવવાનો સમય માર્ચથી શરૂ થતો હોય છે અને 25મી માર્ચથી લોકડાઉનનો અમલ શરૂ થયો છે. જો કે હવે સામાન્ય ઉત્પાદન થઈ રહ્યું છે, પરંતુ લોકડાઉનના શરૂઆતના સમયગાળામાં મીઠાના ઉત્પાદન પર અસર પડી છે.
મીઠાના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવા છતાં હાલમાં દેશમાં મીઠાની તંગીની સ્થિતિ નથી, પરંતુ લોકડાઉનને કારણે સપ્લાય ચેઇન પર વ્યાપક અસર થતાં તેના કારણે મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં મીઠાની સપ્લાય ચેઇનને વધુ અસર થઈ છે. હાલના મીઠાના વપરાશના આંકડા જોઈએ તો 85 લાખ ટન સ્થાનિક માંગ, 95 લાખ ટન ઉદ્યોગોની માંગ અને 100 લાખ ટન નિકાસ થાય છે. આમ છતાં દેશ પાસે 80 લાખ ટન મીઠાનો જથ્થો વધે છે.
લોકડાઉન અને કોરોના સંક્રમણ સામે લડવા માટે રાજ્ય સરકારે પૂર્વ આઇએએસ ઓફિસર હસમુખ અઢિયાના અધ્યક્ષપદે એક સમિતિ બનાવી છે, આ સમિતિ સમક્ષ ઓલ ઇન્ડિયા સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને રજૂઆત પણ કરી છે. સમિતિને જણાવાયું છે કે 56 દિવસના લોકડાઉનના કારણે મીઠા ઉદ્યોગને વ્યાપક અસર થઇ નથી પરંતુ જો હવે લોકડાઉન વધે તો ગંભીર અસર થાય તેમ છે.
વિપરિત સંજોગોના કારણે એસોસિયેશે કહ્યું છે કે મીઠા ઉદ્યોગમાં પ્રતિ હેક્ટર 300 રૂપિયા ભાડું ચૂકવવાનું થતું હોય છે અને પ્રતિ ટન આઠ રૂપિયાની રોયલ્ટી ચૂકવવાની થાય છે. આમ કુલ પ્રતિ ટને 36 રૂપિયા સરકારને આપવાના થતા હોય છે તેવી સ્થિતિમાં મીઠા ઉદ્યોગને મહામારીના પેકેજ સંદર્ભે વીજબીલમાં 75 ટકા રાહત આપવામાં આવે. ગુજરાત એવું રાજ્ય છે કે જે સમગ્ર દેશના મીઠાના ઉત્પાદનમાં 72 ટકાનો હિસ્સો ધરાવે છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.