નવી દિલ્હીઃ એક સમયે ઓલિમ્પિક ગેમ્સમાં કુસ્તીમાં ભારતને મેડલ અપાવનાર કુસ્તીબાજ સુશીલ કુમારની ધરપકડ કરવામાં આવી છે. તેના ઉપર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે કુસ્તીબાજ સાગર ધનખડની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે ગણા સમયથી ફરાર હતો. જોકે, સ્પેશિયલ સેલે સુશીલ કુમારની ધરપકડ કરી છે. સુનીલની સાથે તેના સાથીને પણ પોલીસે પકડ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હત્યા કેસમાં ફરાર આરોપી સુશીલ કુમારની એક દિવસ પહેલાની છેલ્લી જગ્યા પંજાબના બઠિંડા ટ્રેસ કરવામાં આવી હતી.
તેની ધરપકડ માટે પોલીસે અનેક ટીમો બનાવવી હતી. કુસ્તીબાજને પકડવા હરિયાણા અને પંજાબના અનેક ભાગોમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. આ પહેલા દિલ્હીની કોર્ટે પણ સુશીલ કુમારને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. દિલ્હી પોલીસે સુશીલ કુમારની ધરપકડ કરવા માટે બાતમી આપનારને એક લાખ રૂપિયા અને તેના સહયોગી અજય કુમારની ધરપકડ કરવા બદલ 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 5 મેએ યુવા પહેલવાન સાગર ધનખડની થયેલી હત્યામાં સુશીલ ઉપરાંત તેના સહયોગી અજયે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. હકીકતમાં, મોડલ છત્રસાલ સ્ટેડિયમમાં ફ્લેટ ખાલી કરાવવાને લઈને પહેલવાનોના બે જૂથ વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં પાંચ પહેલવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તેમાંથી ગંભીર રીતે ઘાયલ યુવા પહેલવાન સાગરનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. આ મામલે નામ સામે આવ્યા બાદથી જ સુશીલ કુમાર અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. પોલીસ તપાસમાં સુશીલની ગેંગસ્ટર કાલા જઠેડી તેમજ લોરેન્સ વિશ્નોઈ સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે.