ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. આ ચિંતાનું કારણ કોરોના સંક્રમણના કેસો વધવાથી નહીં પરંતુ તેનાથી થતાં સૌથી વધુ મોતનું છે. રાજ્યમાં દર્દીઓના રિકવરી રેટનું પ્રમાણ પણ ઓછું છે અને મૃત્યુઆંક વધ્યો છે. આ બાબતે રાજ્ય સરકારે કેન્દ્રનું ગાઇડન્સ માગ્યું છે.
આશ્ચર્યની બાબત એવી સામે આવી છે કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌથી વધુ મોત છે જ્યારે રાજ્યના પછાત એવા જિલ્લાઓમાં મૃત્યુઆંક સાવ સામાન્ય છે. એટલે કે કેસોની સરખામીએ મોતના આંકડા ખૂબ ઓછા છે. 13 એવા જિલ્લા છે કે જ્યાં દર્દીના મોત થયાં નથી. 8 જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. ગાંધીનગર સહિત બે જિલ્લામાં માત્ર બે દર્દીઓના મોત થયાં છે.
ગુજરાતમાં કોરોના કેસોની સચ્ચાઇના આંકડા અતિ ગંભીર છે. કેસ વધે કે ઘટે તેનું મહત્વ નથી પરંતુ મૃત્યુઆંક વધે અને રિકવરી રેટ ઘટે એ ચિંતાજનક છે. એનાલિસિસમાં સામે આવ્યું છે કે ગુજરાતનો મૃત્યુઆંક 5.10 ટકા છે જ્યારે રિકવરી રેટ 17.5 ટકા છે.
રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા પરથી એ ફલિત થાય છે કે આપણે મૃત્યુઆંક ઘટાડી શકતા નથી. ગુજરાતમાં શનિવારે 26 દર્દીઓના મોત થયાં છે. એક જ દિવસમાં 333 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જો કે શનિવારે છેલ્લા 24 કલાકમાં 160 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હજી 36 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
ગુજરાતમાં ડિસ્ચાર્જનો આંકડો વધીને 896 થયો છે પરંતુ તે સાથે મૃત્યુઆંક 262 જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગ કોરોના સાથે અન્ય પાછલા રોગોનું કારણ આપે છે પરંતુ તે માત્ર ફેસસેવિંગ હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં સાડા છ કરોડની વસતીમાં માત્ર 74116 ટેસ્ટ થયાં છે જે પૈકી 69012 વ્યક્તિનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે જ્યારે 5054 કેસોમાં રિપોર્ટ પોઝિટીવ છે.
ગુજરાતમાં સૌથી વધુ 185નો મૃત્યુઆંક એકલા અમદાવાદનો છે. અમદાવાદના 3543 કેસો પૈકી મોતના આંકડા પણ મોટા છે. જો કે 462 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરામાં મૃત્યુઆંક 24 અને સુરતમાં 28નો છે. જો કે ગાંધીનગરમાં 67 કેસો છે છતાં મૃત્યુઆંક માત્ર બે દર્દીઓનો છે. નર્મદા 12 અને છોટાઉદેપુરમાં 14 પોઝિટીવ કેસો છે છતાં મૃત્યુઆંક શૂન્ય છે. મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં 58 કેસો પૈકી માત્ર એક જ મોત છે.
એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરતની હોસ્પિટલોમાં દર્દીઓના મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળે છે. બોટાદ જેવા પછાત જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 27 છે છતાં એકનું મોત છે. બીજી તરફ કોરોનાની સારવારના દિવસો પણ વધી રહ્યાં છે. કચ્છમાં એક મહિલાનો પોઝિટીવ રિપોર્ટ નેગેટીવ થતાં 37 દિવસનો સમય લાગ્યો છે. ગુજરાતના 30 જિલ્લાઓ પૈકી 14 જિલ્લાઓમાં એકી સંખ્યામાં આંકડા છે જે ચિંતાજનક નથી.
સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર રાજ્ય એવું છે કે જ્યાં 11500થી વધુ કેસો છે પરંતુ મૃત્યુઆંક 485 જોવા મળે છે, જે ગુજરાતની સરખામણીએ ખૂબ ઓછો છે. સમગ્ર દેશમાં પણ કોરોનાના પોઝિટીવ કેસોનો આંકડો 38000 થવા આવ્યો છે છતાં કુલ મૃત્યુઆંક 1223 જોવા મળે છે. ગુજરાતમાં રાષ્ટ્રીય એવરેજ અને મહારાષ્ટ્રની એવરેજ કરતાં મૃત્યુઆંક વધારે જોવા મળી રહ્યો છે જે ચિંતાજનક છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.