ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ કેસ પોઝિટીવ આવ્યો નથી છતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લાના પ્રભારીઓની બદલી શરૂ કરી છે. અત્યાર સુધીમાં આઠ જિલ્લાના પ્રભારીઓ બદલાઇ ચૂક્યાં છે અને બીજા રાજ્યોમાં બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કોરોનાની તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રી સેક્રેટરીઓને બદલે છે પરંતુ પ્રભારી મંત્રીઓને બદલતા નથી તેથી સચિવાલયમાં હવા ઉડી છે કે રાજકીય નેતાઓ કરતાં અધિકારીઓ સારૂં કામ કરે છે છતાં તેમને કારણ વિના બદલવામાં આવે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં પ્રભારીઓ જતાં નથી. પબ્લિક વચ્ચે બેસીને પ્રશ્નોનું નિરાકરણ લાવતા નથી છતાં તેમને બદલવામાં આવતા નથી.
કોરોના વાયસરની દહેશત વચ્ચે આઠ જિલ્લાનાં પ્રભારી સેક્રેટરીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. એ સાથે સરકાર દ્વારા લોકપ્રશ્નોનું ઉચ્ચ સ્તરે મોનિટરિંગ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે અમદાવાદમાં પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમાર, જામનગરમાં એસ.એમ.પટેલ, કચ્છનાં પ્રભારી તરીકે એમ.થેન્નારસન, છોટાઉદેપુરમાં મમતા વર્મા અને મોરબીમાં મનીષા ચંદ્રાની નિમણુક કરી છે. આઠ જિલ્લા સિવાયનાં અન્ય જિલ્લામાં પ્રભારી સેક્રેટરીને યથાવત રાખવામાં આવ્યા છે પરંતુ તેની કોઇ ગેરંટી નથી કે તેઓ ત્યાં ચાલુ રહેશે.
સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને આ આંકડો હવે 143 થયો છે. દેશભરમાં કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેવા સમયે દેશની અગ્રણી મેડિકલ રિસર્ચ સંસ્થા આઈસીએમઆરે ચેતવણી આપી છે કે દેશ કોરોનાના ત્રીજા તબક્કામાં પ્રવેશવા જઈ રહ્યો છે અને આ તબક્કો વિનાશક બનવાની આશંકા છે. આ તબક્કામાં દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા તેમજ મૃતકોની સંખ્યામાં અસાધારણ વધારો થવાની આશંકા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડિરેક્ટર જનરલ જણાવે છે કે ભારત કોરોના વાઈરસના બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. જોકે, દેશ માટે ત્રીજો તબક્કો વિનાશક સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઈરસના પ્રસારના ચાર તબક્કા છે. આપણે હાલ બીજા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. જોકે, હાલમાં એમ કહી શકાય તેમ નથી કે ત્રીજો તબક્કો ક્યારે આવશે. જોકે, ત્રીજો તબક્કો સમાજમાં વ્યાપક સ્તરે કોરોનાના પ્રસારનો હોય છે. આશા રાખીએ કે દેશમાં આ તબક્કો ન આવે. તેનો આધાર આપણે આંતરરાષ્ટ્રીય સરહદો કેટલી મજબૂતીથી સીલ કરીએ છીએ, સરકાર તકેદારીના ભાગરૂપે કેવાં પગલાં લે છે, સામાજિક મેળાવડાઓ બંધ થાય છે કે કેમ તેવા પરિબળો પર રહેલો છે..
વિદેશમાંથી એક અથવા વધુ સંપર્કો ધરાવતી વ્યક્તિનું દેશમાં આગમન થતું હોય તેવી ઘટનાઓને પ્રથમ તબક્કો કહેવાય છે. બીજા તબક્કામાં કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી સ્થાનિક સ્તરે કોરોનાનો પ્રસાર થાય છે. ભારત હાલ આ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ત્રીજો તબક્કો કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો છે. કોરાનાનો પ્રસાર ધરાવતા દેશોનો પ્રવાસ ન કર્યો હોય અથવા કોરોના ધરાવતી વ્યક્તિના સંપર્કમાં ન આવી હોય તેવી વ્યક્તિને કોરોનાનું નિદાન થાય તો તેને કોમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે કે કોરાનાનો ત્રીજો તબક્કો કહે છે.