દિગ્ગજ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ અને રફેલ નડાલ અહી ચાલી રહેલા રોજર્સ કપમાં અનુક્રમે મહિલા અને પુરૂષ સિંગલ્સમાં પોતોપોતાની મેચ જીતીને ફાઇનલમાં પહોચી ગયા છે. અમેરિકાની સેરેના વિલિયમ્સે મહિલા સિંગલ્સની સેમી ફાઇનલમાં એક સેટથી પાછળ પડ્યા પછી જોરદાર વાપસી કરીને ચેક પ્રજાસત્તાકની મારી બાઉજોકોવા સામે 1-6, 6-3, 6-3થી વિજય મેળવ્યો હતો. સેરેના પોતાની કેરિયરમાં પાંચમીવાર આ ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
23 વાર ગ્રાન્ડસ્લેમ વિજેતા સેરેના ફાઇનલમાં હવે બિનાકા એન્ડ્રુસ્ક્યૂ સામે બાથ ભીડશે. સેરેના માત્ર એકવાર આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારી છે. તે આ ટુર્નામેન્ટમાં માર્ટિના હિન્ગીસ વિરુદ્ધ 2000ની સાલમાં છેલ્લે હારી હતી. બીજી તરફ પુરૂષ સિંગલ્સમાં નડાલે 51મી વાર કોઇ એટીપી માસ્ટર્સ 1000 ટૂર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. નડાલ સામે સેમી ફાઇનલમાં હરીફ ખેલાડી ગેલ મોનિફલ્સ ઇજાગ્રસ્ત થતાં હટી ગયો હતો અને તેના કારણે નડાલ ફાઇનલમાં પ્રવેશ્યો હતો. ફાઇનલમાં નડાલનો સામનો રશિયાના ડેનિલ મેદવેદેવ સામે થશે. જેણે એક અન્ય સેમી ફાઇનલમાં કેરન ખાચાનોવાને 6-1, 7-6થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
બોપન્ના-શાપોવાલોવની જોડી રોજર્સ કપની સેમીમાં હારી
મોન્ટ્રિયલ, તા. 11 : ભારતના રોહન બોપન્ના અને કેનેડાના ડેનિસ શાપોવાલોવની જોડી અહીં રમાતી રોજર્સ કપ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં હારીને આઉટ થઇ હતી. તેમને નેધરલેન્ડના રોબર્ટ હાસ અને વેસ્લે કૂલહોફની જોડીએ 7-6, 7-6થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચ દોઢ કલાકથી પણ વધુ સમય સુધી ચાલી હતી, જેમાં અંતે બોપન્ના અને શાપોવાલોવની જોડી પરાજીત થઇ હતી.